આણંદ ગોપી સિનેમા પાસે યુવક ને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાય.

આણંદ ગોપી સિનેમા પાસે યુવક ને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાય.
તાહિર મેમણ – આણંદ – 04/03/2025 – આણંદ શહેરની ગોપી સિનેમા પાસે રવિવારે સવારે ગાયોને ઘાસ ખવડાવવા બાબતે આધેડે 17 વર્ષીય યુવકને માર માર્યો હતો. તપાસમાં મારનારો શખસ ગોપી સિનેમા પાછળ માનીયાની ખાડમાં રહેતો ચિરાગ મહેન્દ્ર પટેલ હોવાનું ખૂલ્યું હતું.જે અંગે આણંદ શહેર પોલીસે આધેડ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના ટાઉન હોલ પાસેની શ્રીજી સોસાયટીમાં 52 વર્ષીય નરેન્દ્રભાઈ અમલુખભાઈ સંઘવી રહે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ધાર્મિક અને તેના અન્ય મિત્રો એનજીઓ ચલાવે છે. જેમાં તેઓ દ્વારા વૃદ્ધાશ્રમ- અનાથાશ્રમ માં જઈને ખવડાવવાનું તથા મહિનાના બે રવિવાર ગાયોને ઘાસ નાંખવાનું કામ કરે છે.
દરમિયાન, રવિવારે સવારે તેઓ તેમજ તેમના મિત્રો ગોપી સિનેમા પાસે ગાયોને ઘાસ ખવડાવી રહ્યા હતા. ત્યારે એક શખસ આવી પહોંચ્યો હતો અને ગાયોને ઘાસ કેમ ખવડાવો છો તેમ કહી નરેન્દ્રભાઈના પુત્ર ધાર્મિકને માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. તપાસમાં મારનારો શખસ ગોપી સિનેમા પાછળ માનીયાની ખાડમાં રહેતો ચિરાગ મહેન્દ્ર પટેલ હોવાનું ખૂલ્યું હતું. આણંદ શહેર પોલીસે શખસ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.





