આણંદમાં ક્રિકેટ માં જીત બાદ ગેરકાયદે ફાયરિંગ કરનાર યુવકની અટકાયત

આણંદમાં ક્રિકેટ માં જીત બાદ ગેરકાયદે ફાયરિંગ કરનાર યુવકની અટકાયત.
તાહિર મેમણ – આણંદ – 10/03/2025 – આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં ગેરકાયદે ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે. બિસ્મિલ્લાહ સોસાયટીના રહેવાસી મોહમંદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.
એલસીબી પોલીસને બાતમી મળતા તેમણે યુવકની અટકાયત કરી હતી. પોલીસે તેના ઘરની તલાશી લેતા તિજોરીમાંથી બે દેશી બનાવટની મેગેઝિન સાથેની મશીન કટ પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પૂછપરછમાં યાસીને જણાવ્યું કે તેણે ત્રણ મહિના પહેલા મધ્યપ્રદેશના જાંબુવાથી એક પિસ્તોલ અને છ કારતૂસ 45,000 રૂપિયામાં ખરીદ્યા હતા. બીજી પિસ્તોલ તેના સ્વર્ગસ્થ પિતાની હતી. ભારતની જીત બાદ ફટાકડાના અવાજની વચ્ચે તેણે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ પણ મેળવ્યા છે. કુલ 1,65,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી અને પિસ્તોલ વેચનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ હથિયાર ધારા અને જીપીએ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




