MORBI:મોરબીમાં ગટર ઉભરાતા વેપારીઓ લાલઘુમ: પ્રાથમિક સુવિધાના અભાવે આક્રોશ, સ્થાનિકોએ ચક્કાજામ કર્યો!

MORBI:મોરબીમાં ગટર ઉભરાતા વેપારીઓ લાલઘુમ: પ્રાથમિક સુવિધાના અભાવે આક્રોશ, સ્થાનિકોએ ચક્કાજામ કર્યો!
મોરબી: મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટરના ગંદા પાણી અને બિસ્માર રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે આજે (નવેમ્બર 2025) ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ તંત્રની નિષ્ફળતા સામે રોષે ભરાઈને ચક્કાજામ કર્યો હતો.
ગંદકી અને બિસ્માર રસ્તાથી વેપાર-ધંધા ઠપ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટેશન રોડ પર છેલ્લા દોઢથી ત્રણ મહિનાથી સતત ગટરના પાણી ઉભરાય છે. આ પાણી રોડ પર અને દુકાનોમાં ઘૂસી જતા હોવાથી વાહન ચાલકો અને દુકાનદારોને ભારે હાલાકી પડી રહી છે. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગંદકી અને ખરાબ રસ્તાના કારણે તેમના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. અધિકારીઓ ફક્ત લાઈનમાં ધૂળ આવી ગયાનું બહાનું કાઢે છે, પણ એક મહિનાથી ધૂળ સાફ થઈ શકી નથી. ચેમ્બર બનાવવાની ખાતરી પણ બે મહિનાથી માત્ર ખાતરી જ રહી છે.રજૂઆતો છતાં નિવારણ નહીં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે મહાપાલિકા અને ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિવારણ આવ્યું નથી. એક તરફ લોકો પોતાના આંગણે સફાઈ ન કરે તો દંડ લેવામાં આવે છે, જ્યારે બીજી તરફ મુખ્ય રોડ પર જનતાને હાલાકી ભોગવવી પડે છે.
પોલીસની દરમિયાનગીરી બાદ ચક્કાજામ દૂર
રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા મુખ્ય રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પોલીસની સમયસરની દરમિયાનગીરી અને સમજાવટ બાદ સ્થાનિકોએ ચક્કાજામ દૂર કર્યો હતો. તંત્રના અધિકારીઓ દ્વારા હવે સમસ્યાના નિરાકરણ માટે ફરીથી હૈયાધારણા આપવામાં આવી છે.









