નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જાન્યુઆરીમાં ૪૧ એનફોર્સમન્ટ અને ૧૩૪ સર્વેલન્સ નમૂનાઓ લીધા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ ઝૂંબેશ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યાહન ભોજન અંતર્ગત જિલ્લાની શાળાઓમાંથી કુલ ૨૪ નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમજ શ્રમિક અન્નપૂર્ણ યોજના અંતર્ગતના કુલ ૯ કેન્દ્ર ખાતેથી તૈયાર કરવામાં આવેલા રાંધેલ ખોરાક અને અન્ય ખાદ્યચીજના મળી કુલ ૨૫ સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.
જાન્યુઆરી મહિનામાં નવસારી જિલ્લામાં ગોળનું ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરી કુલ ૨૨૨ અખાદ્ય ગોળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત ફૂડ સેફટી અધિકારીઓ તથા ચીખલીના મામલતદાર, ગણદેવીના સર્કલ ઓફિસર તથા અન્ય વિભાગ સાથે સંયુક્ત રીતે ‘સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩’ હેઠળ કુલ ૩૦ પેઢીઓની તપાસ કરીને તે કામગીરી દરમિયાન કુલ રૂ. ૫૯૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ સાથે જ ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાન દ્વારા હોટેલ અને લારીઓ સહિત કુલ ૧૦ એકમોમાં ૧૪૦ વ્યક્તિઓને જાગરૂકતા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ કુલ ૨૭૧ સ્થળ પર ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તેમાં ભેળસેળ છે કે કેમ તેની સ્થળ પર ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન તળવા માટે વપરાતા અખાદ્ય તેલ વપરાશકારક ન હોવાથી તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
આમ, નવસારીના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના નિયમો અનુસાર આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જુદા-જુદા એકમોમાંથી કુલ ૪૧ એનફોર્સમન્ટ અને કુલ ૧૩૪ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેમાંથી ૨ એનફોર્સમેન્ટ નમૂનાનો રિપોર્ટ અનસેફ ફૂડ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જ્યારે બાકીના રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.



