પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સમગ્ર વિશ્વમાં તા.૧૭ મી મે ના દિવસને વિશ્વ હાયપરટેન્શન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM), ગુજરાતના સહયોગથી વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે અન્વયે પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત જિલ્લા એન.સી.ડી.સેલ દ્વારા તા.૧૭ મે થી તા.૧૬ જૂન સુધી ચાલનારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી (સેવા સદન -૦૧), ગોધરા ખાતે આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓના રક્તચાપ, શુગર લેવલ અને અન્ય મૂળભૂત આરોગ્ય પરિમાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ એ ભાગ લીધો હતો અને પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.
આ તકે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રેરણા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ દ્વારા પણ તેઓના આરોગ્યની તપાસ કરાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વ હાયપરટેન્શન દિવસ અંર્તગત યોજાયેલ આ આરોગ્ય તપાસનો મુખ્ય હેતુ હાયપરટેન્શન(ઉચ્ચ રક્તચાપ) કે જે આજના સમયમાં એક એવું મૌન રોગ છે, જે હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીની સમસ્યાઓ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તે અંગે અને અન્ય બિનચેપી રોગો (NCDs) વિશે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર નિદાન દ્વારા આરોગ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.





