
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત, આજરોજ ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉત્સાહભેર ઉજવાયો હતો.આ અવસરે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઇ અને સુબીર તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વઘઇ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે કરાયું હતું.આહવા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં નાયબ દંડક વિજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા ભગવાન બિરસા મુંડાના બાળપણ, તેમની મહાન ગાથા અને મહાત્મા બનવા સુધીની સગૌરવ યાત્રાનું વર્ણન કર્યું હતુ. વિજયભાઈ પટેલે મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીએ હૃદયપૂર્વક વંદન કરીને ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.વઘઇ ખાતે જનજાતિય ગૌરવ દિવસની આ ભવ્ય ઉજવણીમાં આદિવાસી સાંસ્ક્રુતિક ચેરિટેબલ ટ્રસ્ટ વઘઇનાં આયોજકો, ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ ગીરાધોધનાં સભ્યો,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત, પક્ષના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતા





