આણંદમાં કાંસની સફાઈ, રસ્તાના કામો અને વીજળીની કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરનો આદેશ

આણંદમાં કાંસની સફાઈ, રસ્તાના કામો અને વીજળીની કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરનો આદેશ
તાહિર મેમણ – આણંદ – 17/05/2025 – આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. કલેક્ટરે તમામ કચેરીઓના અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્યો ઝડપથી કરવા સૂચના આપી. જનપ્રતિનિધિઓની રજૂઆતોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા પણ જણાવ્યું.
બેઠકમાં આઉટસોર્સ કર્મચારીઓના સમયસર વેતન, સરકારી લેણાંની વસૂલાત, નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો અને વિવિધ અરજીઓની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે ચોમાસા પહેલાં કાંસની સફાઈ, રોડ-રસ્તાના કામો અને એમજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી.
બેઠકમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેષભાઈ પટેલ અને વિવિધ ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી. જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ અને પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેનભાઈ બારોટ સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા.





