Jasdan: જસદણ નગર પાલિકા ખાતે NAMASTE દિનની ઉજવણી કરાઈ
તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડ્રેનેજ સફાઈ કર્મચારીઓને PPE કીટ સાથે સલામતીના સાધનોનું વિતરણ કરાયું
Rajkot, Jasdan: સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિશા નિર્દેશ મુજબ રાજકોટ જિલ્લામાં જસદણ નગરપાલિકા ખાતે NAMASTE દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ડ્રેનેજ સફાઈ કર્મચારીઓને PPE કીટ સાથે સેફ્ટીના સાધનોનું વિતરણ કરવામા આવ્યું હતું અને જસદણ શહેરના નાગરિકોને નમસ્તે યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
NAMASTE યોજના એટલે “નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ”. આ યોજનાનો ઉદ્દેશ્ય ગટર અને સેપ્ટિક ટાંકીઓની સફાઈમાં રોકાયેલા વ્યક્તિઓને ઔપચારિક અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો છે તથા તાલીમ પામેલા સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા સલામત અને યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાનું સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય (MoSJE) હેઠળ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાકીય વિકાસ નિગમ (NSKFDC) ‘NAMASTE’ દ્વારા અમલીકરણ કરવામાં આવે છે.
જેમાં સ્વચ્છતા કાર્યકર્તાઓનો મૃત્યુદાર શૂન્ય કરવો, સ્વચ્છતા કામદારોના કૌશલ્યમાં વધારો કરવો, કટોકટી પ્રતિભાવ સ્વચ્છતા એકમોની સ્થાપના કરવી, સ્વ-સહાય જૂથો અને ઉદ્યોગસાહસિકતા દ્વારા સ્વચ્છતા કામદારોનું સશક્તિકરણ કરવું , વૈકલ્પિક આજીવિકા વિકલ્પોની ઍક્સેસ અને તમામ ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો (SSWs) માટે વ્યવસાયિક સલામતી તાલીમનો સમાવેશ થાય છે.