અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : વીજ તંત્રની બેદરકારીથી ગોવિંદપુરમાં ત્રણ ભેંશોના મોત થયા હોવાના આક્ષેપો :ખેડૂત પર આભ ફાટ્યું હોય તેવો ઘાટ
માલપુર તાલુકાના ગોવિંદપુર ગામે વીજ તંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બની હોવાના આક્ષેપો ઉઠ્યા છે ગામની પ્રાથમિક શાળા પાછળ જીવંત વિજતાર તૂટી પડ્યો હતો. સવારે પશુપાલક પ્રતાપ પાંડોર પોતાના પશુઓને ચરાવવા ગયેલા ત્યારે તૂટેલા જીવંત તારના સંસર્ગમાં આવતા ત્રણ ભેંસોના મોત નિપજ્યા હતા.ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિજ તંત્રની બેદરકારી સામે ગુસ્સો વ્યક્ત કર્યો. વર્ષો જુના વિજતારોને બદલી ન દેવાતા વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો.
સદભાગ્યે, શાળા રજા હોવાથી કોઈ વિદ્યાર્થી શાળામાં હાજર ન હતો, નહિતર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. ગામલોકોએ જણાવ્યું કે જો શાળા ચાલુ હોત તો અનેક બાળકોના જીવ જોખમાઈ શકતા.પશુપાલક પ્રતાપ પાંડોર માટે આ ઘટના આઘાતરૂપ સાબિત થઈ છે, કારણ કે તેમના પરિવારમાં જીવન-જીવિકાનો આધાર બનેલા ભેંસો અચાનક વીજ કરંટથી મોતને ભેટ્યા.સ્થાનિક લોકોએ વિજ વિભાગ સામે કાર્યવાહી કરવાની તેમજ ગામમાં ખરાબ હાલતમાં પડેલા તારોને તાત્કાલિક સુધારવાની માંગણી કરી છે.