Rajkot: રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામે ‘‘નાણાંકીય સમાવેશ અભિયાન’’ અંતર્ગત યોજાયો મેગા કેમ્પ
તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રી જન ધન, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા વગેરે યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું
Rajkot: સમગ્ર રાષ્ટ્રમાં હાલ નાણાંકીય સમાવેશન અંતર્ગત “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન” દ્વારા લોકોને વીમા થકી સુરક્ષા, જન ધન ખાતા દ્વારા થતા લાભો આપી અને કે.વાય.સી માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામ ખાતે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી કે. બિસ્વાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોને જનધન યોજના હેઠળ શુન્ય બેલેન્સ કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ખાતું ખોલાવી અને રૂા. ૨ લાખના અકસ્માત વીમા સાથે મફત ડેબિટની સુવિધા આપવામાં આવે છે. આ સાથે ૧૮-૫૦ વર્ષ સુધીના ભારતીય નાગરિકને ફક્ત ૪૩૬ વાર્ષિક પ્રીમિયમ પર રૂ. ૨ લાખનું જીવન વીમા કવર તો પીએમ સુરક્ષા વીમા યોજનામાં ૧૮-૭૦ વર્ષ સુધીના લોકોને વાર્ષિક માત્ર ૨૦ રૂપિયાના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. ત્યારે આ કેમ્પના માધ્યમથી તમામ યોજનાઓ કાળીપાટના લોકો સુધી પહોંચાડવામાં આવી છે. આ જ પ્રકારે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં તમામ ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજી જન જનને આ અભિયાનમાં જોડવામાં આવશે.
કેનેરા બેન્કના મુખ્ય પ્રબંધક શ્રી વિરલ ભાવસારએ કહ્યું હતું કે, ભારતના દરેક વ્યક્તિને પેન્શનની સુવિધા મળે તે માટે અટલ પેન્શન યોજના અમલી બનાવાઇ છે. જેમાં જોડાઈને લોકો દર મહિને રૂા. ૧૦૦૦ થી રૂા. ૫૦૦૦ સુધીનું ગેરંટેડ પેન્શન મેળવી શકે છે. સાથે જ તેમણે ૧૦ કે તેથી વધુ વર્ષ પહેલા ખોલવામાં આવેલા બચત ખાતાઓ, જનધન ખાતાઓ અને નિષ્ક્રિય ખાતાઓ માટે પણ રી – KYC કરાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ ખાતે આસિસ્ટન્ટ ટીડીઓશ્રીએ વધુને વધુ નાગરિકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.તો, કેનેરા બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં તલાટી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાનામાં નાની યોજનાનો પણ છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને આ કેમ્પ પૂર્ણ કરી રહ્યો છે.
કાળીપાટ ગામના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો, સખી મંડળની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.