Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૨૫૦ લાખના ખર્ચે કમળાપુર ખાતે રોડનું ખાતમુહૂર્ત અને ત્રણ લાખના ખર્ચે રૈન બસેરાનું લોકાર્પણ

તા.૧૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે રૂ. ૨૫૦ લાખના ખર્ચે જસદણ તાલુકાના કમળાપુરથી કડુકા અને મદાવા સુધીના ૭.૫૦ કિમી લંબાઈના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. અને મંત્રીશ્રી દ્વારા રૂ. ત્રણ લાખના ખર્ચે કમળાપુર ખાતેની આહિર સમાજની વાડી પાસે બનેલા રૈન બસેરાનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગામડાના નાગરિકોને સારા રસ્તાઓ અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે કિશાન પથ યોજના અન્વયે કમળાપુરથી કડુકા અને મદાવાના રસ્તાનું રિ-સર્ફેસિંગ, રિ- કાર્પેટ, ૧૮૦ મીટર લંબાઈમાં પ્રોટેક્શન વોલ, રસ્તા વચ્ચે આવતા કોઝવેમાં વેરીંગ કોટ, રોડની સેન્ટર તથા બંને સાઇડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ, રસ્તાને પહોળા કરવા સહિતની કામગીરી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, હાલ ઉનાળાની ઋતુમાં બહેનોને પાણીના લીધે મુશ્કેલી ન પડે અને ખેતી સમૃદ્ધ બને તે માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ તકે અગ્રણી શ્રી સંકિત રામાણી, શ્રી વલ્લભભાઈ રાજપરા, શ્રી તેજસભાઇ, શ્રી વિનુભાઈ, શ્રી પરબતભાઇ સોનગરા, શ્રી મુકેશભાઈ દુધરેજીયા, શ્રી રાજુભાઈ મકવાણા, શ્રી મનસુખ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી આર.આર. ખાંભરા, મામલતદાર શ્રી આઈ.જી.ઝાલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વી. બી. માંડલિયા, અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.








