RAMESH SAVANI

‘સત્તા’ ભ્રષ્ટ છે, જેટલી સત્તા વધુ તેટલી વધુ ભ્રષ્ટતા !

કેટલાંક મિત્રો કહે છે કે તમે હંમેશા વડાપ્રધાનની આલોચના શામાટે કરો છો? મારી દલીલ હોય છે કે વડાપ્રધાન પોતાનું વર્તન એવું કરે છે, જેથી આલોચના કરવી પડે છે. તેમની કથની અને કરણીમાં હિમાલય જેટલું અંતર હોય છે; કરકસરનો ઉપદેશ આપશે, અને પોતે કોઈ બાદશાહ ન કરે તેટલો ખર્ચ કરે છે ! તેમની પર ફૂલ પાંખડીઓની વર્ષા કરવા આજુબાજુના રાજ્યોમાંથી ટ્રકો ભરીને ફૂલો મંગાવવામાં આવે છે ! ભ્રષ્ટાચાર દૂર કરવાનો ઉપદેશ આપે છે અને સૌથી વધુ ભ્રષ્ટ નેતાઓને પોતાના પક્ષમાં લઈ તેમને મંત્રી બનાવે છે ! કાળા નાણાથી રાજ્ય સરકાર ઊથલાવે છે ! કોઈપણ વ્યક્તિ પાસે સત્તા હોય ત્યારે તે કેવું વર્તન કરે છે, તે માપદંડ હોવો જોઈએ. જેમની પાસે સત્તા નથી, તેમનું મૂલ્યાંકન કરીએ તો આપણે ખોટા પણ પડીએ.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 16 ડિસેમ્બર 2023ના રોજ મધ્ય રેલવેના CPRO-મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપુરેને ‘અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર’ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા હતા ! 29 ડિસેમ્બર 2023ના રોજ માનસપુરેની એકાએક બદલી કરવામાં આવી ! તેમને નવા પોસ્ટિંગની જાણ પણ કરવામાં ન આવી ! તેમની આ હોદ્દા પર નિમણૂક 7 મહિના પહેલાં જ થઈ હતી. સરકારી અધિકારીની બદલી એવું હથિયાર છે જેનાથી તેમને અંકુશિત કરી શકાય છે. વડાપ્રધાન આ ‘ચાબૂક’નો સૌથી વધુ ઉપયોગ કરે છે ! ગુલામ અધિકારીઓને નિવૃતિ બાદ એક પછી એક એક્સટેન્શન આપે છે !
માનસપુરેનો વાંક શું હતો? સામાજિક કાર્યકર્તા અજય બોઝે RTIમાં, પાંચ રેલવે ઝોન-મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે, ઉત્તર રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવેમાં PMના 3D selfie points બનાવવાના ખર્ચની માહિતી માંગી હતી. માનસપુરે મધ્ય રેલ્વે તરફથી રેલવે સ્ટેશનો પર ‘PMના 3D સેલ્ફી બૂથ’ની કિંમતની વિગત આપી હતી, તે તેમનો વાંક હતો !
માનસપુરે માહિતી આપી હતી કે “મુંબઈ, નાગપુર, પુણે, ભુસાવલ અને સોલાપુરના વિભાગમાં વિવિધ રેલ્વે સ્ટેશનો પર 20 કાયમી અને 30 અસ્થાયી ‘વડાપ્રધાનના સેલ્ફી બૂથ’ સ્થાપિત કરવામાં આવ્યા છે. એક કાયમી સેલ્ફી બૂથની કિંમત રુપિયા 6.25 લાખ છે ! જ્યારે કામચલાઉ સેલ્ફી બૂથની કિંમત રુપિયા 1.25 લાખ છે ! આ તમામ ખર્ચ સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.” એક તરફ, સીનિયર સિટિઝનને મળતા લાભો રેલ્વે તંત્રએ બંધ કરી દીધાં છે, બીજી તરફ ગરીબ/ મધ્યમવર્ગ GST ચૂકવે છે, તેનો આ કેવો બગાડ !
દેશના કોઈપણ એરપોર્ટ/રેલ્વે સ્ટેશન/ બસ સ્ટેશન/ જાહેર સ્થળો પર જાઓ; દેશનું કોઈ અખબાર/ મેગેઝિન ખોલો; કોઈ પણ ટીવી ચેનલ ચાલુ કરો એટલે વડાપ્રધાનના અચૂક દર્શન થાય ! અમેરિકાના કોઈપણ એરપોર્ટ/ રેલ્વે સ્ટેશન/ જાહેરસ્થળો પર પ્રેસિડેન્ટની તસ્વીર જોવા મળતી નથી !
26 ડિસેમ્બર 2023ના રોજ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું : “વડા પ્રધાનના ફોટા સાથે રેલવે સ્ટેશનો પર ‘સેલ્ફી બૂથ’ની સ્થાપના કરદાતાઓના નાણાંનો ‘brazen waste- બેશરમ વ્યય’ છે ! સશસ્ત્ર દળોને આવા 822 સેલ્ફી પોઈન્ટ્સ સ્થાપિત કરવાનો વડાપ્રધાને આદેશ આપ્યો હતો. વડાપ્રધાનની Self-obsessed- સ્વમગ્ન પ્રમોશનની કોઈ સીમા નથી !”
આશ્ચર્યની બાબત એ છે કે મધ્ય રેલવેના CPRO માનસપુરેની જ બદલી થઈ છે, જ્યારે પશ્ચિમ રેલવે, ઉત્તર રેલવે, ઉત્તર-પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવેના CPROએ ‘સેલ્ફી પોઈન્ટસ’ની માહિતી આપી ન હતી; એટલે તેઓ પોતાના હોદ્દા પર ટકી શક્યા છે ! બ્યૂરોક્રેટ કઈ હદે ગુલામ બની ચૂક્યા છે, તેનું આ ઉદાહરણ છે ! ‘સત્તા’ ભ્રષ્ટ છે, જેટલી સત્તા વધુ તેટલી વધુ ભ્રષ્ટતા !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!