ભારત જેવા દેશમાં લોકશાહી સરમુખત્યારશાહી બને જવાનો ખતરો છે : ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર

DR. BHANJI SOMAIYA
M. A., NET-UGC, LL. B. Special, Ph.D.
………………..
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર આજીવન વિદ્યાર્થી, અભ્યાસુ અને જિજ્ઞાસુ મહાનુભાવ રહ્યા છે. કોઈપણ વિકટ સંજોગોમાં કેવી પણ પડકારભરી પ્રતિકૂળતામાં; ભયંકર અપમાનિત અવસ્થામાં; આર્થિક અગવડતામાં વિચલિત થયા વિના; અત્યંત ઉત્સાહથી અને નિડરતાપૂર્વક વ્યક્તિએ; જે જે વયે જે જે સમયે જે જે કરવું જોઈએ; તે એમણે જીવનભર સખત પરિશ્વમ કરીને; અનેક મૂસિબતો સહન કરીને; અનેક વિરોધીઓની સામે ઝઝૂમીને; અર્ધાભૂખ્યા રહીને; ઉજાગરા કરીને સતત અવરોધો વચ્ચે; પોતે સફળ થઈને અસંખ્ય લોકોના જીવનને પ્રજ્વલિત, પ્રકાશિત, ઝળહળતા, ભવ્ય અને સફળ કર્યા છે. કોઈ એક મહાનુભાવના સંઘર્ષથી એમની હયાતીમાં માત્ર 40-50 વર્ષમાં કરોડો લોકોના પશુતૂલ્ય જીવનમાં અસાધારણ સુખનું સામ્રાજ્ય સ્થપાયું હોય; તો કદાચ વિશ્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશ્વની પ્રથમ વિભૂતિ હશે.
બાળ ભીમરાવે 6 વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી. કબીર સંપ્રદાય, આધ્યાત્મિકતા, સામાજિક સેવા, અવાર-નવાર યોજાતા સ્નેહમિલન, સંસ્કાર અને સદાચારી પરિવારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ અને ઉછેર થયો. 1907માં દાદા કૃષ્ણાજી કેળુસ્કર તરફથી ભેટ મળેલ ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર પુસ્તક વાંચ્યું હતું. પરિણામે બાબાસાહેબ વિઝનરી અને મિશનરી બન્યા.
વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે યુવાન ભીમરાવને બે પ્રશ્નો પૂછ્યા “તમને ક્યા વિષયોમાં વિશેષ રુચિ છે? અને અભ્યાસ કર્યા પછી શું કરશો? વિઝનરી યુવાન ભીમરાવ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જવાબ આપે છે કે, ”.મને સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સવિશેષ નાણાશાત્રમાં રુચિ છે. હું આ વિષયોનો અભ્યાસ કરવાથી સમાજની દુખી અવસ્થા સુધારણાનો માર્ગ સાંપડશે તે માર્ગે ચાલી હું સમાજ સુધારણાનું કાર્ય કરીશ.”
જ્યારે આપણા સમાજના લોકોને ખાવા પુરતું અન્ન ન હતું; પહેરવા સારા કપડા ન હતા; રહેવા સારા ઘર ન હતા અને શિક્ષણનો અભાવ હતો ત્યારે યુવાન ભીમરાવે સંબોધન કરતા કહ્યું, ”શાશનકર્તા શક્તિમાં તમારો સમાવેશ થયો છે. અન્ન, વસ્ત્ર, વસવાટ અને વિદ્યા આપવાનું કર્તવ્ય આ દેશના શાસનકર્તા સત્તાનું છે. અને આ શાસન તમારી સંમતિ-સહાય અને સામર્થ્ય દ્વારા ચાલવાનું છે. સફળતા હાંસલ કરવા અને તેને જાળવી રાખવા કોઈપણ સમાજે સતત જાગૃત, સામર્થ્યવાન, સુશિક્ષિત અને સ્વાભિમાની બનવું અગત્ય છે”
ઉપરોક્ત બન્ને ઉદાહરણથી આપણને ખ્યાલ આવે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિચારની તાકાત, મનની શક્તિ અને મનોવિજ્ઞાનના કેવા ઊંડા જ્ઞાતા હતા. આપણે હમેંશા સ્મરણમાં રાખવું જોઈએ કે ઉપરોક્ત બન્ને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો આપણને મહત્વાકાંક્ષી, મહાન અને શાસક બનવા પ્રેરણા આપે છે. અને આપણે આપણા વિચાર અને મનની શક્તિ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વિશ્વ વિખ્યાત લેખક અને વિચારક અને ડો. બાબાસાહેબ આંબેડકરના એક સમયના કટ્ટ્રર વિરોધ વ્યક્ત વિદ્યાર્થી આલ્વા જોઈકીમ પોતાના પ્રખ્યાત ગ્રંથ “MEN AND SUPERMEN OF INDIA”માં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનની પ્રસંશા કરતા યથાર્થ જ લખ્યું છે કે; “તેમના ભગીરથ પ્રયત્નોના પ્રતાપે જ પશું જેવું જીવન જીવતાં આ લોકો રાષ્ટ્રના રાજકીય જીવનમાં સ્થાન પામ્યાં છે. વિશ્વના છ બુદ્ધિમાન પુરુષોમાં ડૉ. આંબેડકર એક છે. આવા પુરુષ મારા પ્રોફેસર હતા તે મારે મન ગૌરવની બાબત છે”
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર યુગપ્રવર્તક અને દુરંદેશી દ્રષ્ટા; અપાર જ્ઞાન, દીર્ઘ અદ્યયન અને સત્યાચરણનું પ્રતીક; અગાઢ સ્મરણશક્તિ, વિસ્મરણકારક પ્રસ્તુસ્તિકરણશક્તિ, અસરકારક પ્રભાવશક્તિ; સુસંવાદિત શૈલી, અનુભવિત પ્રજ્ઞા, શુદ્ધ ચારિત્ર્ય અને સંદર્ભસૂચિત સ્પષ્ટવાદિતા; તાર્ક્કિક- બૌદ્ધિક ક્ષમતા; ઊચ્ચ કોટીની સભ્યતા, સંસ્કારિત માનસિકતા, સૌજન્યશીલ વલણ; નિખાલસ સ્વભાવ, નિર્ભય માન્યતા, લોકશાહિક અભિગમ અને અવર્ણનીય દેશપ્રેમ એમની અસાધારણ વ્યક્તિત્વના પાસાઓ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર જ એક માત્ર વિભૂતિ છે; જે એમના તમામ સમકાલીનથી અનન્ય જ્ઞાન, અદ્વિતીય કાર્ય અને અસાધારણ યોગદાન થકી વિશ્વ સ્તરે પ્રતિષ્ઠા ધરાવે છે. એમણે ભારત સમેત ઈન્ગ્લેન્ડ-અમેરિકા જેવા વિકાશશીલ દેશની ધરતી પર યુવા વયે પ્રાપ્ત વિવિધ વિષયની ઊચ્ચ પદવીઓ M.A, BAR-AT LAW, PH.D., D.SC., D.LITT.; LL.D. પ્રાપ્ત કરી છે. તત્કાલીન સમયે એમનું અંગત વિશાળ પુસ્તકાલય મદનમોહન માલવીયા બે લાખમાં ખરીદવાની ઓફર કરી હતી તેનો એમણે અસ્વીકાર કર્યો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર લખેલ વિવિધ વિષયના જ્ઞાનસભર દળદાર ગ્રંથો; એમણે ચલાવેલા અવ્યવસાયિક સામયિકો; એમણે કરેલી માનવીય ચળવળો; એમણે સામા પુરે કરેલ સંઘર્ષ; એમના જેટલું વિવિધ અને વિશાળ જ્ઞાન અને અનુભવ; સંવાદ, વાતચીત કે જાહેર વક્તવ્ય દ્વારા કોઈપણ વિષય પ્રસ્તુત કરવાની આકર્ષક, આગવી, પ્રભાવી, તાર્ક્કિક અને સંદર્ભસમેત અભિવ્યક્ત કરવાની અનન્ય શૈલી એમની અસાધારણ લાક્ષણિકતાઓ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ખરેખર શિક્ષણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, રાજનીતિ, મનોવિજ્ઞાન, ઈતિહાસ, કૃષિ, પત્રકારત્વ, અધ્યાત્મ અને બંધારણના વિદ્વાન વક્તા, પ્રવક્તા અને તજજ્ઞ હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતીય બંધારણ ઘડવાના પહેલા પણ પ્રયત્નો થયા હતા પણ નિષ્ફળ નિવડ્યા હતા. માત્ર ડો. બાબાસાહેબ આંબેડકર જ પ્રથમ પ્રયત્ને જ ભારતીય બંધારણ ઘડવામાં સફળ થયા છે. જૂજ લોકો જાણે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર કઈ રીતે બંધારણ સભામાં પહોંચ્યા છે. ધન્ય છે એ એડવોકેટ જોગેન્દ્રનાથ મંડલને કે જેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરને બંધારણ સભામાં પહોંચાડવા બીડું ઝડપ્યું હતું.
બંધારણસભામાં એક-એકથી ચડિયાતા બુદ્ધિમાનો, વિદ્વાનો, તજજ્ઞો અને નિષ્ણાંતો શોભાયમાન હતા. 17 ડીસેમ્બર, 1946ના રોજ મંગળવારના રોજ પોતાના પ્રભાવી પ્રવચનમાં “અખંડ ભારત” ની હિમાયત કરી વિખ્યાત ચરિત્ર લેખક ડૉ. ધનંજય કીર કહે છે તેમ ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમગ્ર બંધારણ સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી.
ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં મુસદા સમિતિએ વિશ્વના કેટલાયે રાષ્ટ્રોના બંધારણોનો ઊંડો અભ્યાસ કરી-વિચાર વિમર્શ કરી 4 નવેબ્મર, 1948ના રોજ બંધારણનો એક મુસદો તૈયાર કરી બંધારણસભા સમક્ષ પ્રસ્તુત કર્યો. આ મુસદાને બંધારણનું સ્વરૂપ આપવા અને સ્વીકારવા બંધારણસભાએ 11 બેઠકો યોજી. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ કામગીરી બજાવી અને 114 દિવસ ચર્ચાઓ કરી. સતત 8 મહિના સુધી બંધારણ સભાના એક-એકથી ચડિયાતા વિદ્વાન અને નિષ્ણાંત બંધારણના સભ્યોના તાર્કિક પ્રશ્નોના ડૉ. બાબાસાહેબે વિશદતાથી તાર્કિક જવાબો આપ્યા.
જ્યારે બંધારણ સભાના પ્રત્યેક સભ્યોને ભારતીય બંધારણ બાબતે ચર્ચા-વિચારણાના અંતે પૂર્ણ સંતોષ થયો. બંધારણને કોઈ કલમ સંદર્ભે શંકા ન રહી; ભવ્ય ભારત નિર્માણ દષ્ટિનો સાક્ષાત્કાર થયો ત્યારે. બંધારણ સભાના પ્રત્યેક સભ્યની લેખિત સંમતિ, હસ્તાક્ષર અને સ્વીકૃતિ દ્વારા ડૉ. બાબાસાહેબે 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણની સ્વીકૃતિ અપાવી. માટે જ 26, નવેમ્બરને બંધારણદિન તરીકે મનાવવામાં આવે છે. ભારતીય બંધારણની મુદ્રિત પ્રીન્ટને તૈયાર કરવામાં બે માસ લાગ્યા. ભારતીય બંધારણની લેખિત સ્વીકૃતિ માટે બંધારણના દરેક સભ્યોએ આ મહાન અને પવિત્ર રાષ્ટ્રીય અને ઐતિહાસિક દસ્તાવેજ ઉપર ત્રણ નકલોમાં પોતાના હસ્તાક્ષર કર્યા છે.
1789માં અમેરિકાએ 21 કલમો વાળું અમેરિકાનું બંધારણ માત્ર ચાર માસમાં પસાર કર્યું હતું. પરંતુ તેની કોઈ જાહેર ચર્ચા થઈ નહોતી. તેનું ઘડતર લગભગ બંધ બારણે 55 સભ્યોની સમિતિએ કર્યું હતું. જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ સભાના વિદ્વાન સભ્યો દ્વારા બે વર્ષ, અગ્યાર માસ અને અઢાર દિવસ વિશદ ચર્ચા કર્યા બાદ બંધારણ સભાના પ્રત્યેક સભ્યોની હસ્તાક્ષર કરાવીને લેખિત સ્વીકૃતિ મેળવી હતી. અમેરિકન વિદ્વાનો બંધારણ, બંધારણ ઘડતર અને બંધારણની લેખિત સ્વીકૃતિની મહત્તા જાણતા હોય તેથી એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. બાબાસાહેબ આંબેડકરની ભવ્ય સિદ્ધિથી પ્રભાવિત થઈ અમેરિકાની કોલંબીયા યુનિવર્સીટીએ 1950માં જ તેમને એલએલ. ડી. ની માનદ પદવી એનાયત કરવા આમંત્રણ આપ્યું હતું. પણ અંતે 5, જૂન, 1952માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે અમેરિકા જઈને એલએલ. ડી. ની પદવી પ્રાપ્ત કરી હતી. આ પદવીમાં તેમની ખૂબ જ પ્રસંશા કરતા મુખ્યત્વ “ભારતીય બંધારણના ઘડવૈયા” તરીકે જ સન્માનિત કર્યા હતા.
કેટલાક કાયદા અને બંધારણ અંગે અજ્ઞાન ધરાવતા લોકો ભારતીય બંધારણનો સમયાંતરે વિરોધ કરે છે; એ તદન અયોગ્ય છે. જાણીતા બંધારણ નિષ્ણાંત ડૉ. લક્ષ્મીમલ સિંઘવી ભારતીય બંધારણની યોગ્યતા અને ઉપયોગિતા અંગે બયાન કરતા લખે છે કે; “આપણું બંધારણ માત્ર આપણા દ્શના ઈતિહાસની જ ઉપલબ્ધિ નથી.; પણ વિશ્વમાં સમકાલીન અને તુલનાત્મક દષ્ટિએ ભારતને ગૌરવ લેવા જેવી એક ઘટના છે.” અન્ય એક બંધારણના જ્ઞાતા ડૉ. સુભાષ કશ્યપ પણ યથાર્થ નોધ્યું છે કે; “આપણું બંધારણ સમયની કસોટી પર સાચું ઠર્યું છે. બંધારણ અંતર્ગત જ રાષ્ટ્રની પ્રગતિ થઈ છે. પાછલા 51 વર્ષમાં કેટલાયે દેશોના બંધારણ ડગમગી ગયા છે ત્યારે આપણું બંધારણ અડીખમ ઊભું છે”
જાહેર વક્તવ્ય દ્વારા સામાન્ય માણસને જ નહીં પણ બુદ્ધિમાન મહાનુભાવોને મંત્રમુગ્ધ કરીને તેઓને સહમત કરવાની તેઓને અને નિરુત્તર કરવાની શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે; ભારતીય બંધારણ સભામાં ભારતીય બંધારણ સમર્પણ સમયે 25 નવેમ્બર, 1949માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ ઐતિહાસિક પ્રવચન. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું આ ભારતીય બંધારણ સ્વીકાર સમયનું આ પ્રવચન “વિશ્વના વિખ્યાત વક્તવ્યો”માં સ્થાન પામ્યું છે. બુક શેલ્ફ પ્રકાશને ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ પ્રવચનને પોતાના પુસ્તકમાં સ્થાન આપ્યું છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભારતીય બંધારણ સ્વીકાર સમયનું પ્રવચન ખૂબ જ ઝીણવટપૂર્વક અદ્યયન પ્રત્યેક ભારતીયોએ કરવું જોઈએ. મારા દ્વારા લખાયેલા એક પુસ્તક ‘.તો લોકશાહી દીપિ ઊઠે’ માં આ પ્રવચનને સ્થાન આપ્યું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતા શિક્ષણવિદ, લેખક અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શિક્ષણ વિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. મોતીભાઈ પટેલ આ પ્રવચન સંદર્ભે લખ્યું છે કે; “ડૉ. આંબેડકરે ભારત પુન: ગુલામ ન બને તે માટે જયચંદો-અમીચંદો-જગતશેઠો પેદા ન થાય એ માટે આપણને ચેતવ્યા છે. આજે આપણી લોકશાહીમાં જે દશ્યો જોવા મળે છે તે પરથી એમ જરૂર લાગે છે કે આપણે ચેતીશું નહીં તો ભારત પુન: ગુલામ બનશે”
ભારતીય બંધારણ સભામાં ભારતીય બંધારણ સમર્પણ સમયે 25 નવેમ્બર, 1949માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ ઐતિહાસિક પ્રવચન ચેતવણી સમાન છે. એમણે ઉચ્ચારેલ ચેતવણીમાંથી આપણે પ્રેરણા મેળવીએ. આપણા મહાન રાષ્ટ્રનું જતન જીવના ઝોખમે કરીએ. ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ મહાન અને ચેતવણી સમાન પ્રવચનનો સાર કંઈક આ પ્રમાણે છે….
* “બંધારણ ગમે તેટલું ખરાબ હોય તો પણ; એના પર કામ કરનારા સારા માણસો હોય તો તે સારું બની જાય. બંધારણની કામગીરી સંપૂર્ણપણે બંધારણના પ્રકાર પર આધાર રાખતી નથી…..લોકશાહી બંધારણ શું છે? શું તે એને જાળવી શકશે કે ફરીવાર ગુમાવશે”
*”ભારતના લોકો અને એમના પક્ષો કેવી રીતે વર્તશે તે અંગે કોણ કહીં શકે? શું પોતાના ઉદેશ્યો સિદ્ધ કરવાની બંધારણીય શર્તોને ટેકો આપશે અથવા એમને સિદ્ધ કરવા માટે ક્રાંતિકારી રીતો પસંદ કરશે?……ભારતે પહેલા એકવાર સ્વતંત્રતા ગુમાવી છે; એટલું જ નહિં; પરંતુ એના પોતાના કેટલાક લોકોની બેવફાદારી અને વિશ્વાસઘાતને લીધે સ્વતંત્રતા ગુમાવી છે”
*”શું ભારતીયો દેશને પોતાના પંથની ઉપર મૂકશે અથવા દેશ ઉપર પંથને મૂકશે ?….જો પક્ષો પંથને દેશની ઉપર મૂકશે તો આપણી સ્વતંત્રતા બીજીવાર જોખમમાં મૂકાશે અને સંભવત: હમેંશ માટે ગુમાવશે”
* ”જાતિઓ પ્રથમ સ્થાને જ રાષ્ટ્ર વિરોધી છે; કારણ કે સામાજિક જીવનમાં અલગતા લાવે છે. જાતિઓ રાષ્ટ્રવિરોધી છે; કારણ કે જાતિ-જાતિ વચ્ચે ઈર્ષા અને દ્વેષ ઉત્પન કરે છે”
*”લોહીના છેલ્લા ટીપા સુધી આપણી સ્વતંત્રતાના રક્ષણ માટે આપણ દઢ નિર્ધાર કરવો જોઈએ……આપણે સવિનય ભંગ, અસહકાર અને સત્યાગ્રહ જેવી રીતો ત્યજવી જોઈએ”
*”ભારત જેવા દેશમાં લોકશાહી સરમુખત્યારશાહી બને જવાનો ખતરો છે…..મહાન માણસના પગમાં પોતાની આઝાદી મૂકવી જોઈએ નહીં; અથવા પોતાની પ્રથાઓ ઊંધી વાળી શકે એટલી સત્તાથી એનામાં વિશ્વાસ મૂકવો જોઈએ નહીં….રાજકારણમાં મુક્તિ અને વીરપૂજા એ પતન અને સંભવ્ય સરમુખત્યારશાહીનો ચોક્કસ માર્ગ છે”
*”આ દેશમાં રાજકીય સત્તા; થોડા લોકોનો જ લાંબા સમયથી ઈજારો રહી છે. અને આ ઘણા લોકો ભારવાહક પ્રાણીઓ જ નહીં; પરંતુ હિંસક પ્રાણીઓ છે. આ ઈજારાઓ એમને સારા થવાની તકથી વંચિત કર્યો છે…. વંચિત વર્ગોમાં આત્મજ્ઞાનની આ ઉત્કંઠાને વર્ગવિગ્રહ કે વર્ગસંઘર્ષમાં પરિણમવા દેવી જોઈએ નહીં”
*”માત્ર રાજકીય લોકોશાહીથી સંતોષ માનવો જોઈએ નહીં; આપણે આપણી રાજકીય લોકશાહીને સામાજિક લોકોશાહી પણ બનાવવી જોઈએ….રાજકારણમાં આપણી પાસે સમાનતા હશે; અને સામાજિક અને આર્થિક જીવનમાં આપણી પાસે અસમાનતા હશે….આપણે આવું વિરોધાભાષી જીવન જીવવાનું ક્યાં સુધી ચાલુ રાખીશું ?….જો આપણે લાંબા સમય વિરોધાભાષી જીવન ચાલું રાખીશું તો આપણે આપણી રાજકીય લોકોશાહીને ભયમાં મૂકીશું…..બને તેટલી વહેલી તકે આપણે આ વિરોધાભાષ દૂર કરવો જોઈએ….નહીં તો…અસમાનતાથી જેમને વેઠવું પડે છે; તેઓ આ લોકશાહીના માળખને (સંસદ) ફૂંકી મારશે ; જેને આ બંધારણસભાએ પરિશ્રમપૂર્વક તૈયાર કર્યું છે.”
ઉપરોક્ત ચેતવણી ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ સભામાં ભારતીય બંધારણ સમર્પણ સમયે 25 નવેમ્બર, 1949ના રોજ વ્યક્ત કરી છે માટે તેની અવગણના આપણે કરવી જોઈએ નહીં. ભારત સરકારે અને રાજ્યોની રાજ્ય સરકારોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાન ગ્રંથોને પ્રકાશિત કરવાનું ઐતિહાસિક અને નોંધપાત્ર કાર્ય કરેલ છે; જેમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિશ્વ સમર્પિત મહાન જીવન, જ્ઞાન, પ્રદાન, યોગદાન અને સમર્પણની સાચી જાણકારી મળે છે.
પણ….વાસ્તવમાં યથાર્થ રીતે પૂર્વગ્રહ વિના એમના ગ્રંથોનું ઊંડાણપૂર્વક અદ્યયન કરવામાં આવ્યું નથી; તઠસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી; એમના ગ્રંથોમાંથી પ્રેરણા લેવામાં આવી નથી અને પરિણામે વિશ્વ સ્તરની શિક્ષણશાસ્ત્ર, પુસ્તકશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, મનોવિજ્ઞાનશાસ્ત્ર, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, ધારાશાસ્ત્ર, પત્રકારત્વશાસ્ત્ર, બંધારણશાસ્ત્ર અને અદ્યાત્મશાસ્ત્રના પ્રતીક સમી આંતરરાષ્ટ્રીય વિદ્વાન વિભૂતિ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જ્ઞાન, પ્રદાન, યોગદાન અને એમના યોગદાન થકી માત્ર 50-60 વર્ષના સમયમાં જ તમામ ભારતવાસીઓના જીવનમાં કેવું ભવ્ય, મહાન અને અદભૂત પરિવર્તન આવ્યું છે; તેનાથી આજની યુવાપેઢિ મોટાભાગે અજાણ છે. એટલું જ નહીં માત્ર તેઓને અમુક જાતિ પુરતા સીમિત બનાવી દીધા છે. પણ ખરેખર ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર દેશના સાચા નેતા અને ઉદ્ધારક છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 29 માર્ચ, 1916ના રોજ “બોમ્બે ક્રોનિકલ” સમાચારપત્રમાં એક ચર્ચાપત્રમાં પોતાના આગવા અને નૂતન વિચારો વ્યક્ત કરીને પત્રકારત્વ લેખનનો પ્રારંભ કર્યો હતો. “બોમ્બે ક્રોનિકલ” સમાચારપત્રમાં એમણે અમેરિકાથી ચર્ચાપત્ર લખી પોતાની 25 વર્ષની વયે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે; “ફિરોઝશાહની સ્મૃતિના સ્મારક રૂપે એમની પ્રતિમા મૂકવાને બદલે પુસ્તકાલયની સ્થાપના કરવી જોઈએ”
વિધિની વક્રતા તો જૂઓ જે મહાપુરુષે અન્ય મહાપુરુષની પ્રતિમા સ્થાપવાને બદલે પુસ્તકાલય સ્થાપવી જોઈએ એવો અભિપ્રાય યુવા વયે વ્યક્ત કર્યો હતો; એ જ મહાપુરુષની ભારતમાં અસંખ્ય પ્રતિમાઓ છે. જે મહાપુરુષે મહાન વ્યક્તિની પ્રતિમાને સ્થાને પુસ્તકાલયને હિમાયત કરી હતી; શું આ મહાપુરુષ ધાર્મિકસ્થાનોના નિર્માણના હિમાયતિ હશે? ડૉ. બાબાસાહેબ શાક્યમૂનિ બુદ્ધ, સંત કબીર અને મહાત્મા જ્યોતિબા ફૂલેને પોતાના આદર્શ માનતા હતા; શું એ મહાપુરુષે એમની પ્રતિમા, એમના મંદિરો અને એમની જન્મજયંતિ પાછળ ધન અને સમયનો ઉપયોગ કર્યો હતો? આ પ્રશ્નોના જવાબો જ આપણને સાચી દિશા બતાવશે !!! આજે તો એવી સ્થિતિ છે; ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને “માળા” અને પોતાના “મગજ-મન”ને તાળા” લગાવી દીધા હોય એવું નથી લાગતું? જૂઓ, આપણા આદર્શ ડૉ. બાબાસાહેબ આંબેડકર કેવા તેજસ્વી વિદ્યાર્થી, લેખક, વક્તા, પ્રવક્તા અને મહાન નેતા હતા.
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ “NATIONAL DIVIDEND FOR INDIA, A HISTORICAL AND ANALYTICAL STUDY” નામનો મહાનિબંધ લખી 25 વર્ષની યુવાવયે વિદેશની ધરતી પર અમેરિકા વિશ્વસ્તરની યુનિવર્સીટી કોલંબીયા યુનિવર્સીટીમાં પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય હતા. આઠ વર્ષ બાદ આ મહાનિબંધ WORLD FAMOUS PUBLISHER ORGANIZATION P.S. KING AND SONS પ્રકાશને (THE EVOLUTION OF PROVINCIAL FINANCE IN BRITISH INDIA”) નામે પ્રસિદ્ધ કર્યો હતો. આ ગ્રંથની પ્રસ્તાવના વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. એડવીન આર. એ. સેલિગ્મેને લખી હતી. આ ગ્રંથમાં ડૉ. આંબેડકરે બ્રિટીશ દ્વારા થતા ભારતના આર્થિક શોષણની અત્યંત વેધકતા અને વિદ્વતાથી સંશોધન કર્યં હતું. વિશ્વભરના આર્થિક નિષ્ણાંતો ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ તારણથી ચોંકી ઊઠ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1916માં જ “CASTE IN INDIA: THEIR MECHANISM, GENESIS AND DEVELOPMENT” (ભારતમાં જાતિઓ તેની ઉત્પતિ અને વિકાશ”) નામનો શોધનિબંધ અમેરિકાની કોલંબીયા યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના સેમિનારમાં ‘વર્ગ’ અને ‘વર્ણ’ એટલે કે ભારતમાં જાતિપ્રથાની રચના સંદર્ભે ઐતિહાસિક પદ્ધતિ અને નૂતન દષ્ટિકોણથી પ્રસ્તુત કર્યો હતો. જાતિપ્રથા અને જાતિવાદ ઉપરના વેધક, આક્રમક, જલદ અને તલસ્પર્સી સંશોધનાત્મક તારણોથી અમેરિકન વિદ્વાનો અત્યંત પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં યુવા વયે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તુલના અબ્રાહમ લિંકન અને બુકર ટી. વોશીંગ્ટન સાથે કરવામાં આવી હતી. આ શોધનિબંધ “અમેરિકન જર્નલ ઓફ સોસિયોલોજી” નામના વિખ્યાત સામયિકમાં “WORLD BEST LITERATURE OF THE MONTH” એ શીર્ષક તળે પ્રસિદ્ધ થયો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે વિદેશની ધરતી પર 31 વર્ષની વયે “THE HISTORY OF INDIAN CURRENCY AND BANKING” નામનો અત્યંત સંશોધનાત્મક ગ્રંથ લખી લંડન સ્કુલ ઓફ ઈકોનોમિકસ એન્ડ પોટીટીકલ સાયન્સની સર્વોચ ડી. એસસી. ની પદવી પ્રાપ્ત કરી હતી. આ ગ્રંથની પ્રસ્તાવના વિશ્વ વિખ્યાત અર્થશાત્રી પ્રો એડવીન કેનને લખી હતી. આ ગ્રંથમાં ડૉ. બાબાસાહેબે સંશોધિત કર્યું હતું કે; બ્રિટીશરોએ ભારતીય રૂપિયાને પાઉન્ડ સાથે સરખાવી ભારતનું ભયંકર આર્થિક શોષણ કરી આર્થિક લાભ ઊઠાવ્યો છે. અને તેથી ભારતીય ધન બ્રીટીશરોની તોજોરીમાં નિરંતર જમા થાય છે; જેથી ભારતમાં નિર્ધનતા અને ગરીબી સતત વધી રહી છે. 1947માં આ ગ્રંથ ‘THE PROBLEM OF RUPEE: ITS ORIGIN AND SOLUTION’ શીર્ષક તળે પ્રસિદ્ધ થયો હતો. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના આ ગ્રંથનું મહત્વનું પ્રદાન છે.
અત્રે અત્યંત ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિખ્યાત દૈનિકપત્ર ‘સંદેશમાં’ ૧, એપ્રિલ, 2017ના રોજ ‘આજનો દિવસ’ “આજે ભારતીય રિઝર્વ બેન્કનો સ્થાપના દિવસ” કોલમમાં નોધ્યું છે કે; “બેન્ક કઈ રીતે કામ કરશે તેની રૂપરેખા બાબાસાહેબે હિલ્ટન યંગ કમિશનની સમક્ષ રાખી હતી. જ્યારે ભારતમાં રોયલ કમિશન ઓન ઈન્ડીયન કરન્સી એન્ડ ફાઈનાન્સના નામથી આવ્યું હતું. કમિશનના સભ્યોએ ડૉ. આંબેડકરે લખેલા ગ્રંથ “ધ પ્રોબ્લેમ ઓફ રૂપી ઈટસ ઓરિજિન એન્ડ સોલ્યુસન (“રૂપિયાની સમસ્યા –તેના મૂળ અને સમાધાન”) ની જોરદાર તરફેણ કરી હતી.”
ઈશ્વર કે ભગવાન કોઈએ જોયો નથી કે મળ્યા-મર્યા પછી પાછું આવીને કોઈએ ઈશ્વર કે ભગવાન જોયાના પ્રમાણ આપ્યા નથી. માટે જ ડો. બાબાસાહેબે કહ્યું છે કે
*”કોઈને ઈશ્વર બનાવી પોતાના ઉદ્ધારનો ભાર તેના પર નાખવાથી કર્તવ્ય વિમુખ થવાની પલાયનવાદી વૃતિ તમારા હિતને ઘાતક નિવડશે. વિશ્વમાં જે કંઈ ઉથલપાથલ થાય છે તે માનવો દ્વારા જ થાય છે. તમારો ઉદ્ધાર કરવા કોઈ આવવાનું નથી. તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે”
*”યાત્રા, વ્રતો, ઉપવાસો, ઉપાસના કામમાં આવી નથી. ભક્તિએ ભૂખમરામાંથી કદાપિ મુક્તિ અપાવી નથી”
*”પોતાના વિચારો ઉન્નત રાખો. આત્મસન્માન પ્રાપ્ત કરો. તમારા સંતાનોને શિક્ષિત કરો. તેના મનમાં એવી ભાવના પેદા કરો કે તેમાં મહાન બનવાની ક્ષમતા છે. તેના મનમાંથી હીન ભાવનાને દૂર કરો. સંતાનોના લગ્ન કરવામાં ઉતાવળ ન કરો. તમારા સંતાનોને પોતા કરતાં સારું જીવન તક પુરી પાડે. તમારો પતિ, પુત્ર કે કુંટુંબનો કોઈ વ્યક્તિ જો દારૂડિયો હોય તો તેને ખાવાનું ન આપો. જીવનને ચારિત્રવાન બનાવો. પુત્ર એવો હોવો જોઈએ કે તે સંસારમાં પોતાની આગવી છાપ છોડી જાય”
*”હું કમજોર છું”, “હું અજ્ઞાની છું”,” હું અલ્પ શિક્ષિત છું”,” મારા હાથથી શું થવાવાળું છે”, “ હું શા માટે ઝંઝટમાં પડું” આવું વિચારીને નિરાશ ન થાઓ. આજે તમે જે કંઈ જાણો છો તે વાત તમારા આડોસી-પડોશીને કહો. જે તમને સત્ય લાગે છે તે ભાવિ પેઢિને કહો. તમે લોકો જાગૃત થઈ જાઓ. જો આટલું સમજ્યા પછી પણ આંખ-કાન બંધ રાખશો તો ભાવિ પેઢિનું તમે ખુન કર્યું છે એવું સમજીને ભાવિ પેઢિ તમને દોષિ માનશે”
ડૉ. બાબાસાહેબ આંબેડકર સત્ય, સમાનતા, માનવતા, મહાનતા અને નૈતિકતાની વાતો કરતા અને આચરણમાં ભેદ, દંભ અને પ્રપંચ આચરતા લોકોની શેહ શરમ રાખ્યા વિના નીડરતાથી કહ્યું છે; “વાણીમાં સર્વમાં ઈશ્વર માનનારા અને આચારમાં માનવને પશુ ગણનારા આ દંભી લોકોનો સંગ કરશો નહીં કીડી-મંકોડાને ખાંડ નાખનારા અને પછી માનવીને પાણી વગર મારનારા લોકો દંભી છે; તેનો વિશ્વાસ કરશો નહીં”
સામ્પ્રત વાસ્તવિકતા જૂઓ: આજે જ્યારે જ્યાં અનામતની બંધારણીય જોગવાઈ છે ત્યાં પણ અનામતની જગ્યાઓ યોગ્ય ઉમેદવારો હોવા છતાં ભરાતી નથી. શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને પ્રચારતંત્ર એ લોકશાહીના ચાર સ્તંભ છે; જેમાં અલ્પ અપવાદો બાદ કરતા અમુક જાતિનો જ ઈજારો છે. આજે પ્રસિદ્ધ થતા સમાચારપત્રની વિવિધ પૂર્તિમાં મુખ્ય કટારલેખકો અને મુખ્ય પત્રકારો પર બારીકાઈથી નજર નાખશો તો અમુક જાતિના જ કટારલેખકો-પત્રકારોનું બાહુલ્ય જોવા મળે છે. વિવિધ ટીવી-ચેનલના મુખ્ય એન્કરો કે મુખ્ય કાર્યક્રમોના મુખ્ય પત્રકારો ચોક્કસ જાતિના જ જોવા મળશે.
રાષ્ટ્રીય સ્તરે અપાતા ભારતરત્ન, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી, જ્ઞાનપીઠ, રમતગમત એવોર્ડ, પત્રકારત્વ એવોર્ડ, સાહિત્ય એવોર્ડ, બ્રેવરી એવોર્ડ, લીડરશિપ એવોર્ડ કોને-કોને મળ્યા છે; તેની યાદી તપાસીએ તો પણ અચૂક અમૂક જાતિના જ લોકોને એવોર્ડ મળ્યા છે.
આજે તો અનેક પક્ષો ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવી રહ્યા છે; શું આ પક્ષોએ ક્યારેય ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને સમર્પિત વ્યક્તિને તો શું પોતાના પક્ષની વિચારધારાને સમર્પિત વ્યક્તિને જનરલ સીટ પર તાલુકા પંચાયત સભ્ય, જીલ્લા પંચાયત સભ્ય, ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકે ઉમેદવાર ઘોષિત કર્યા છે ?
1950માં શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ અને પ્રચાર ક્ષેત્ર શું આટલી માત્રામાં પ્રાઈવેટ શાળાઓ, પ્રાઈવેટ કોલેજો, પ્રાઈવેટ એન્જીનિયરીંગ કોલેજો, પ્રાઈવેટ મેડિકલ કોલેજો, પ્રાઈવેટ યુનિવર્સીટીઓ, પ્રાઈવેટ હોસ્પીટલો, પ્રાઈવેટ મલ્ટીહોસ્પીટલો, પ્રાઈવેટ ટ્રાવેલ્સ, પ્રાઈવેટ કુરીયર, પ્રાઈવેટ બેન્કો, પ્રાઈવેટ વિમા કંપનીઓ, પ્રાઈવેટ એરકંપનીઓ, પ્રાઈવેટ અખબારો, પ્રાઈવેટ ટીવી ચેનલો હતી?
આજે જેટલા પ્રમાણમાં ધાર્મિકસ્થાનો છે; શું આટલી માત્રામાં 1950માં આટલા ધાર્મિકસ્થાનો હતા? આ ધાર્મિકસ્થાનોની આવક શું ભારતની રાષ્ટ્રીય તિજોરીમાં જમા થાય છે?
એ સમયે અમેરિકા અને ઈન્ગ્લેન્ડ જેવા દેશોમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર જેવા જટિલ વિષયોનો અંગ્રેજીમાં અભ્યાસ કરનારા મહાન વિભૂતિને જ્યારે કોઈ ઉચિત આદર, કદર, પ્રેમ, માન અને સન્માન ન આપતા હતા ત્યારે એમના કરોડા બંધુઓના ભવિષ્યનો વિચાર કરી એમણે લાખો અનુયાયીઓ સાથે મૂળ ભારતના બૌદ્ધ ધર્મનો અંગિકાર કર્યો.
બૌદ્ધ ધર્મ એ સામાન્ય લોકો માટેનો ધર્મ નથી. જીવન, શરીર, મન, જ્ઞાન, વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને ઊંડાણથી સમજનારા, જાણનારા અને જીવનમાં આચરણ કરનારાનો ધર્મ છે. તે પ્રાચીન ધર્મ છે પણ આજના આધુનિક મનોવિજ્ઞાન સાથે એકદમ સુસંગત છે.
1902માં જેમ્સ એલનનું “એઝ એ મેન થીન્કેથ”, 1906માં વિલિયમ વોકર એરિકશનનું “થોટ વાઈબ્રેશન ઓર લો ઓફ એટ્રેકશન”, 1910માં વોલેસ વોટલ્સનું “ધ સાયન્સ ઓફ ગેટીન્ગ રીચ”, 1926માં હોમ્સ અર્નેસ્ટનું “બેઝીક ઓફ સાયન્સ ઓફ માઈન્ડ”, 1949માં ડૉ. રેમન્ડ હોલીવેલનું “વર્કીંગ વીથ લો”, પુસ્તક ત્યારબાદ 1950 પછી પ્રસિદ્ધ થયેલ નેપોલિયન હિલનું “થીન્ક એન્ડ ગ્રો રીચ”, ડૉ. જોસેફ મર્ફીનું “ધ પાવર ઓફ સબકોન્સીયસ માઈન્ડ”, રોન્ડા બર્નનું “ધ સિક્રેટ”. બ્રેન્ડા બર્નેબીનું “ બીયોન્ડ ધ સિક્રેટ” પુસ્તક વાંચ્યા પછી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરો તો પછી સમજાય કે બૌદ્ધ ધર્મ મહાન અને સફળ વ્યક્તિ બનવા માટેનો ધર્મ છે. અથવા વિપશ્યાની શિબિર કર્યા પછી વિપશ્યાનો નિયમિત અભ્યાસ કરવાથી બૌદ્ધ ધર્મની મહત્તા સમજાઈ.
બૌદ્ધ ધર્મ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સબંધ, સંપતિ, સફળતા, આનંદ, આરોગ્ય, વિચાર, વાણી, વ્યવહાર, વર્તન અને આચરણનો મહિમા કરે છે. શાંત મન જ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સબંધ, સંપતિ, સફળતા, આનંદ અને આરોગ્યનું કેન્દ્રસ્થાન છે. સકારાત્મક વિચાર, વિધાયક દષ્ટિ, મધુર વાણી, પ્રેરક શ્રવણ, પુરતા પ્રયત્નો, નિયમિત ધ્યાન તંદુરસ્ત તન, શાંત મન અને પવિત્ર ધન જ સાચું સુખ છે. દુ;ખ, ગરીબી, રોગ, અકસ્માત, બીમારી, માનસિક બિમારી, ગંભીર બીમારી, ગુપ્ત રોગ એલર્જી, એટેક, પેરાલીસીસ, વ્યસન, વ્યભિચાર, ગૃહકંકાશ, હત્યા, આત્મહત્યા અને દુષ્ક્ર્મ એ વારંવારના નકારાત્મક ભાવો કે આવેગો જેવા કે અપ્રામાણિકતા, છેતરપીંડી, દગો, વિશ્વાસઘાત, કામચોરી, ન કમાવું, ક્રોધ, ચિંતા, ઈર્ષા, ટીકા, આળસ, ઉતાવળ, ખોટું બોલવું, વ્યંગવાણી, બદલાની ભાવના, અસુરક્ષાની ભાવના, વેરઝેર, ભય, વહેમ, શંકા અંધશ્રદ્ધાનું જ ખરાબ પરિણામ છે.
ભારતીય બંધારણ અમલ પૂર્વે એટલે 1950 પહેલા જે લોકોના માતા-પિતા કે દાદા-દાદી વેઠ કે કાળી મજૂરી કરતા હતા; પરસેવો પાડી માંડ-માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા; ખેતરમાં કાળી મજૂરી કરાવા છતાં ખેતરના માલિક ન હતા; અભણ, અજ્ઞાન, ગરીબ, નિરાધાર અને સન્માનહિન હતા; ખાવા સારું ભોજન ન હતું; પહેરવા સારા કપડા ન હતા; રહેવા સારા ઘર ન હતા; અને આજે એમના દિકરા-દિકરી કે પોત્ર-પ્રપોત્રી આધુનિક મોટર-કાર, અદ્યતન બંગલો, વિશાળ ખેતી ફાર્મ; ભવ્ય હોટેલ-મોટેલ-રિસોર્ટ અને અઢળક સંપતિ-પ્રતિષ્ઠા ધરાવે છે; એમના દિકરા-દિકરી કે પોત્ર-પ્રપોત્રી વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી, સંસદસભ્ય, ધારાસભ્ય, પ્રમુખ, નગરપતિ, ઉદ્યોગપતિ બન્યા છે અથવા અત્યારે છે; તેવા તમામ લોકોના સાચા નેતા, હિતેચ્છું, માર્ગદર્શક અને ઉદ્ધારક ડૉ. બાબાસાહેબ આંબેડકર જ છે.
આપણે સૌ જાણીએ છીએ કે 1950 પહેલા ઔદ્યોગિક કામદારો, સફાઈ કામદારો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓની કેવી અવદશા હતી. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય કાયદાઓ દ્વારા કામદારો, ઔદ્યોગિક કામદારો, સફાઈ કામદારો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓને અધિકાર, માન, સન્માન, સત્તા અને સંપતિ અપાવી છે.
જે લોકોના જીવનમાં 1950 પછી ભારતીય બંધારણીય કાયદાઓના થકી માન, સન્માન, સરવિસ, ઉદ્યોગ, ધંધા, સત્તા અને સંપતિ પ્રાપ્ત થઈ છે; તેવા તમામ ભારતીયોએ ભારતના બંધારણની તમામ કલમોનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. વિશેષ કરીને કલમ 13 ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચવી જોઈએ તેનો અર્થ અને ગુઢાર્થ સમજવો જોઈએ. અને ભારતના બંધારણના અમલ પહેલા એટલે કે 1950 પહેલા કેવા કાયદાઓ પ્રવર્તમાન હતા તે અંગે ગહન ચિંતન કરવું જોઈએ.
……………………..
‘રાષ્ટ્રને પ્રતિબદ્ધ’ ૨૦, ગણેશનગર, ગાંધીધામ-કચ્છ,
૯૬૬૪૯ ૧૦૮૦૧



