Rajkot: રાજકોટના ૧૧ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો ૧૫ હજાર કરતાં વધુ ખેડૂતોએ લીધો લાભ

તા.૯/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બે દિવસમાં ૧૭૭ ખેડૂત લાભાર્થીઓને રૂ. એક કરોડની વધુની સહાયનું વિતરણ
પાંચ હજારથી વધુ મહિલાઓએ મેળવી રવિ કૃષિ અંગેની મહત્ત્વપૂર્ણ જાણકારી
Rajkot: રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં યોજાયેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો આશરે ૧૫,૯૦૦થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં યોજાયેલા આ મહોત્સવમાં બે દિવસમાં ૧૭૭ ખેડૂતોને રૂપિયા એક કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બે દિવસમાં ૫૩૦૦થી વધુ મહિલાઓ પણ રવિ કૃષિ મહોત્સવમાં જોડાઈ હતી અને રવિ કૃષિ અંગેની અદ્યતન જાણકારી મેળવી હતી.
ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજકોટના તમામ ૧૧ તાલુકામાં ૬ તથા ૭ ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રવિ કૃષિ મહોત્સવના પહેલા દિવસે તમામ તાલુકાઓમાં ૨૩૧૭ મહિલાઓ તથા ૫૪૧૧ પુરુષ મળીને કુલ ૭૭૨૮ લોકો જોડાયા હતા. જ્યારે બીજા દિવસે ૩૦૩૩ મહિલાઓ તથા ૫૧૯૬ પુરુષો મળીને કુલ ૮૨૨૯ લોકો જોડાયા હતા. બે દિવસમાં કુલ ૫૩૫૦ મહિલાઓ તથા ૧૦,૬૦૭ પુરુષો મળીને કુલ ૧૫,૯૫૭ જેટલા લોકોએ રવિ કૃષિ મહોત્સવમાં મહત્ત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ મહોત્સવમાં ખેડૂત લાભાર્થીઓને કૃષિલક્ષી યોજનાઓની સહાય-લાભોનું વિતરણ તેમના ઘરના આંગણે જ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ૯૪ લાભાર્થીઓને રૂ.૬૨ લાખ ૯૫ હજારની સહાય-લાભો વિતરણ કરવામાં આવ્યા. જ્યારે બીજા દિવસે ૮૩ લાભાર્થીઓને ૪૧ લાખ ૫૮ હજારની સહાય-લાભો અપાયા. બે દિવસમાં કુલ ૧૭૭ લાભાર્થીઓને રૂ.૧ કરોડ ૦૪ લાખની સહાય-લાભો વિતરિત કરવામાં આવી છે.
બે દિવસ દરમિયાન તમામ તાલુકાઓમાં ૨૦૦થી વધુ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. જેમાં કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશનના સ્ટોલ સહિતના સ્ટોલ પરથી ખેડૂતોને મહત્ત્વની જાણકારી પણ આપવામાં આવતી હતી. આ મહોત્સવ દરમ્યાન ખેડૂતો માટે મોડેલ પ્રાકૂતિક ફાર્મની મુલાકાતો પણ ગોઠવવામાં આવી હતી.








