Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વૃદ્ધ તથા ગંગાસ્વરૂપા લાભાર્થીઓને વિવિધ સહાયના હુકમો અને NFSA મંજૂરી પત્રો અપાયા

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“જસદણ-વિંછીયા તાલુકાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ છીએ.”- મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાનાં તાલુકા સેવા સદન ખાતે ‘અન્ન સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃદ્ધ, ગંગાસ્વરૂપા લાભાર્થીઓને વિવિધ સહાયના હુકમો અને NFSA મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા લોકોને લાભ મળે તે માટે સરકાર અને વહીવટી તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. વિંછીયા તાલુકામાં જરૂરિયાતમંદ વૃદ્ધ અને ગંગાસ્વરૂપા બહેનોને કોઈના સહારે રહેવું ન પડે તે માટે વિધવા સહાય અને વૃદ્ધ સહાય પ્રદાન કરવામાં આવે છે. જેમાં આ કાર્યક્રમ અન્વયે ૧૭ વિધવા સહાય, ૧૦ વૃદ્ધ સહાય અને ૧૫ અન્ન સંતૃપ્તિ યોજના અન્વયે રાશનકાર્ડનાં મંજૂરી પત્રો અપાયા છે. જેમાં છેલ્લાં એક મહિનામાં વિંછીયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૨૦૭ ગંગાસ્વરૂપા બહેનોને શોધીને તેમના ઘરે જઈ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને લાભ આપવાનું શરૂ કર્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં વિંછીયા તાલુકાના કુલ ૨,૪૦૦થી વધુ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિ બહેન દીઠ ખાતામાં રૂ.૧,૨૫૦/- એમ કુલ મળીને રૂ.૩૧ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. ઉપરાંત, વૃદ્ધોને પોતાના સંતાનો પર આધારિત રહેવું ન પડે તે માટે ૨,૨૬૦ વૃદ્ધોને પ્રતિ વ્યક્તિ દીઠ રૂ.૧,૦૦૦/- એમ કુલ મળીને રૂ.૨૨ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. ઉપરાંત, મંત્રીશ્રીએ વિંછીયા તાલુકાનાં સુવિધાયુક્ત રસ્તાઓ, આરોગ્ય કેન્દ્ર, પાણી વિતરણ, શિક્ષણ સહિતની વ્યવસ્થાઓમાં થયેલા વિકાસ અંગે વાત કરી હતી. મંત્રીશ્રીએ જસદણ-વિંછીયા તાલુકાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાનો લાભ સમયસર પહોંચે તે માટે હર હંમેશ પ્રયત્નશીલ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રૂપસંગભાઈ જમોડે કર્યું હતું. આ તકે પ્રાંત અધિકારી શ્રી આર.આર. ખાંભરા, મામલતદાર શ્રી એસ.ડી.બારોટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જે.પરમાર, અગ્રણી શ્રી દેવાભાઈ ગઢાદરા સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





