પોરબંદરનાં સાંદિપની આશ્રમ ખાતે ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.9/07//2025ના દિને ગુરૂપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ ગુરુગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ સહભાગી બન્યા હતા.અહી શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુરુજનોને ’ગુરુ ગૌરવ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિધા,વિવેક અને વિકાસના મંત્રને અવિરત સાથે લઈને ચાલતી સંસ્થા એટલે સાંદિપની ગુરુકુળ.ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના સાંદિપની આશ્રમમાં દર વર્ષે ગુજરાતના શિક્ષણમાં નવીન પદ્ધતિઓ અને શ્રેષ્ઠ કાર્ય કરીને શાળા તથા બાળકોના વિકાસ માટે ઉત્તમ કામ કરતા શિક્ષકોનું ભાવપૂજન ગુરૂપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે.જેમાં વર્ષ 2025માં ડાંગ જિલ્લામાંથી પ્રાથમિક શાળા ભવાનદગડના શિક્ષક કિશનભાઇ વાડુની પસંદગી કરવામાં આવી હતી.તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ ડાંગ જિલ્લાનાં શિક્ષક સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કિશનભાઇ વાડુને શિક્ષણમાં શ્રેષ્ઠ નવતર પ્રયોગો માટે ન્યૂ દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે..