ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રાના માર્ગો પર નેમપ્લેટ નિર્ણયના વિરોધમાં NDA ના સાથી પક્ષ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રાના માર્ગો પર દુકાનદારોના નામ લખાવવાનો આદેશ જાહેર કર્યો ત્યારથી જ વિરોધ પક્ષો ઉપરાંત NDAના સાથી પક્ષોએ પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. JDU અને LJP બાદ હવે રાષ્ટ્રીય લોકદળ (RLD)એ પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. RLDના વડા જયંત ચૌધરીએ કહ્યું કે, દરેક વ્યક્તિ કાવડ મુસાફરોની સેવા કરે છે. ન તો કાવડ લઈ જનાર વ્યક્તિ કોઈને ઓળખતી નથી. જયંત ચૌધરીએ કહ્યું કે, ‘કાવડયાત્રી જાતિ અને ધર્મના આધારે સેવા લેતા નથી. આ મુદ્દાને ધર્મ સાથે જોડવો જોઈએ નહીં. ભાજપે ઘણું વિચારીને નિર્ણય લીધો નથી. હાલમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે તેથી હવે સરકાર તેના પર નિર્ભર છે. સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાનો હજુ સમય છે. હવે ક્યાં-ક્યાં લખવું નામ ? શું કુર્તા પર પણ નામ લખું? કે જે નામ જોઈને હાથ મિલાવશે ?’
યોગી સરકારે કાવડ માર્ગ પરના દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ દુકાનો અને ગાડીઓ પર તેમના નામ લખવા જોઈએ જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે, તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે, સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર આવેલી ખાદ્યપદાર્થોની દુકાનો પર ‘નેમપ્લેટ’ લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક, ઓપરેટરનું નામ અને ઓળખ લખવાની રહેશે. CMOના જણાવ્યા અનુસાર કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ વખતે યુપી અને ઉત્તરાખંડ સરકારના આદેશની અસર સમગ્ર કાવડ માર્ગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. રસ્તાઓ પર વિવિધ સ્થળોએ દુકાનોમાં દુકાનદારોના નામની સ્લિપ લગાવવામાં આવી છે, આ નામોની સ્લિપને લઈને હિન્દુ-મુસ્લિમ રાજકારણ ગરમાયું છે. કેટલાક આ નિર્ણયને બંધારણની વિરુદ્ધ કહી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે તે સમાજમાં નફરત ફેલાવવાના ષડયંત્રનો ભાગ છે. કાવડ યાત્રાની વચ્ચે જ સરકાર તરફથી આ આદેશ આવ્યો. હરિદ્વારથી આવતા મુઝફ્ફરનગર હાઈવે પર દ્રશ્ય બદલાઈ ગયું. આરીફ હોય કે વકીલ, દાનિશ હોય કે ઈરફાન… દરેકના નામ સ્પષ્ટ દેખાય છે. નામો સાથેના આ પ્લેકાર્ડ વચ્ચે રાજકીય હુમલાઓ તેજ બન્યા છે.
વાસ્તવમાં યોગી સરકાર અને યુપી પ્રશાસન દરેક વખતે કાવડિયાઓ અને કાવડ યાત્રા માટે કંઈક નવું કરે છે. હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવી હોય કે કાવડિયાઓની વિવિધ રીતે સેવા કરવી હોય, પરંતુ આ વખતે જ્યારે કાવડિયાઓના રૂટ પર નેમ પ્લેટ લગાડવાનો આદેશ આવ્યો ત્યારે માત્ર વિપક્ષ જ નહીં, આપણા જ લોકોએ પણ સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષી પાર્ટીઓ સરકારના આ પગલા પર સવાલ ઉઠાવી રહી છે પરંતુ ભાજપના નેતાઓ તેને કાવડ યાત્રાની પવિત્રતા સાથે જોડી રહ્યા છે અને તેમના વિસ્તારોમાં પણ આવા પગલા લેવાની માંગ કરી રહ્યા છે.


