વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. ‘એક દેશ, એક ચૂંટણી’ને લઇને ઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર્ટ કેન્દ્રીય મંત્રી મંડળ સામે મુકવામાં આવ્યો હતો. કેબિનેટની હવે મંજૂરી મળી ગઇ છે. કહેવામાં આવે છે કે સરકાર આગામી શિયાળુ સત્રમાં તેને રજૂ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા ધરાવતી સમિતિએ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. કેબિનેટ સામે રિપોર્ટ રજૂ કરવો કાયદા મંત્રાલયના 100 દિવસના એજન્ડાનો ભાગ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી વન નેશન વન ઇલેક્શનની વાત કરતા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું, ‘હું તમામને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને મેળવવા માટે એક સાથે આવવાનો અનુરોધ કરૂ છું, જે સમયની માંગ છે.’ લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દા પર કહ્યું હતું કે સરકારના પુરા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી થતી રહેવી ના જોઇએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, હું હંમેશાથી કહું છું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઇએ. પુરા 5 વર્ષ રાજકારણ ના થવું જોઇએ.
કેન્દ્રની NDA સરકારમાં ભાજપ સિવાય ચંદ્રબાબુ નાયડુની TDP, નીતિશ કુમારની JDU અને ચિરાગ પાસવાનની LJP (R) જેવી મોટી પાર્ટીઓ છે. JDU અને LJP(R) તો એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે જ્યારે TDPએ તેના પર કોઇ જવાબ આપ્યો નથી. JDU અને LJP (R)એ એક દેશ, એક ચૂંટણી એમ કહેતા સમર્થન કર્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, CPM અને BSP સહિત 15 પાર્ટીએ કોઇ જવાબ આપ્યો નથી.



