AHAVADANGGUJARAT

ડાંગમાં SSC અને HSC પરીક્ષાના શુભારંભ દિવસે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય વિજય પટેલ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10નાં ગુજરાતી,અંગ્રેજી, જ્યારે ધોરણ 12નું અર્થશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન વિષયની પરીક્ષા આપી…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC) ની વાર્ષિક પરીક્ષાઓનો આજથી ડાંગ જિલ્લામાં ઉમંગભેર પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારૂ વ્યવસ્થા અને મહાનુભાવો દ્વારા કરવામાં આવેલા સ્વાગતને કારણે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના માનસિક દબાણ વગર ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી હતી.પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે વલસાડ-ડાંગના સાંસદ અને નાયબ મુખ્ય દંડક ધવલ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અધિકારીઓ અને આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને બોલપેન આપી અને મોઢું મીઠું કરાવી ‘ઓલ ધ બેસ્ટ’ કહી આશીર્વાદ આપ્યા હતા.ડાંગ જિલ્લા કલેક્ટર સહીત જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પેપર લખી શકે.આંકડાકીય માહિતી મુજબ, ધોરણ-10 (SSC) માં આહવા ઝોનમાં કુલ 3553 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 66 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ગુજરાતી (FL) અને અંગ્રેજી (FL) વિષયના પેપરો સાથે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. તેવી જ રીતે ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ દિવસે ‘ભૌતિક વિજ્ઞાન’ (Physics) વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ડાંગ જિલ્લાના બે મુખ્ય કેન્દ્રો પરથી નોંધાયેલા 399 વિદ્યાર્થીઓમાંથી 396 હાજર રહ્યા હતા અને માત્ર 03 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં ‘અર્થશાસ્ત્ર’ (Economics) વિષયની પરીક્ષામાં જિલ્લાના 7 બિલ્ડિંગોમાં કુલ 1964 વિદ્યાર્થીઓમાંથી 1951 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 13 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવા-ડાંગ દ્વારા મળેલી વિગતો અનુસાર, સમગ્ર જિલ્લામાં પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત સ્કોવડ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી (CCTV) દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રો પર ફૂલ આપીને કરવામાં આવેલા સ્વાગતથી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થયો હતો અને પ્રથમ દિવસની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી..

Back to top button
error: Content is protected !!