BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ઘરકંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી:ગળામાં માતાજીનું કરતાલ મારી હત્યા કરી, ચાદરમાં લાશ લપેટી નાળામાં ફેંકી, આરોપી ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ

વાલિયાના હત્યાકેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પરથી મળ્યાં હતાં અને પાંચ વર્ષ પહેલાં લગ્નબંધનમાં બંધાયાં હતાં. બંનેની જીવનસફરમાં સાથીદાર બનવાનો ઈરાદો આજે કરુણ ઇતિહાસ બની ગયો છે. મૃતક મહિલાનો લોહીલુહાણ થયેલો મૃતદેહ નાળામાંથી મળે છે અને ગણતરીના કલાકોમાં ખુલાસો થાય છે કે હત્યારો કોઈ અજાણ્યો નહી, પણ પતિ પોતે છે. આ સમગ્ર મામલે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર શ્રીવાસ્તવએ રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ બંને એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યાં બાદ તેમણે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન કર્યાને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો. બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે.

10મીએ કોંઢના રોડ પર લાશ મળી હતી
વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

વ્હોટ્સએપ ગ્રુપમાં તસવીરો ફેલાવી હતી
આ અંગે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ વાલિયા પીઆઈ એમ.બી.તોમર અને LCBના જવાનો સાથે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. ગુના સ્થળ પરથી લોહી લાગેલાં કપડાં તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વ્હોટ્સએપ ગ્રુપમાં ફેલાવાતાં માહિતી મળી કે મૃતક મહિલા અંકલેશ્વર GIDC વિસ્તારની રહેવાસી હતી.

પોલીસ તપાસમાં મહિલાનું રહેઠાણ મળ્યું
અંકલેશ્વર GIDC પોલીસના PI આર.એચ. વાળાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરી હતી. એ સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસેની શિવકૃપા બંગલોઝમાં રહે છે. પોલીસે એ સ્થળે તપાસ કરતાં ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળ્યો હતો. તેને આ મહિલા વિશે પૂછપરછ કરતાં તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું.

હત્યા કરી લાશને સગેવગે કરી
રાજેન્દ્રની વધુ કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની રુચિ સાથે રોજની કોઈ ને કોઈ બાબતથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મી જુલાઈના રાત્રિના માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી
કોંઢ ગામના નાળા નીચે ફેંક્યાની કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યા કરાયેલી કરતાલ અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલું વાહન જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!