મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 10 થી વધાર લોકોના મોત

મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને જોતા પુણે જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે ચિંતા વધી છે. આ ઉપરાંત, આગામી ત્રણ કલાકમાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને પુણેના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બે દિવસના સતત વરસાદ પછી, મુંબઈના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. પોશ વિસ્તારોથી લઈને સામાન્ય વિસ્તારો સુધી, ગલીઓ અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો ઘરોમાં પૂરાઈ રહેવા મજબૂર થયા છે. ઓફિસ જતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પૂરના કારણે 14 લોકોના મોત નિપજ્યા હતા.
મુંબઈના રસ્તાઓ, રેલવે ટ્રેક અને હાઈવે પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. અંધેરી સબવે દર વર્ષે પાણીથી ભરાઈ જાય છે, જે હવે મુંબઈની ઓળખ સમાન બની ગયો છે. આશ્ચર્યજનક રીતે, આ બધી સમસ્યાઓ ફક્ત બે દિવસના વરસાદનું પરિણામ છે.
આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મુંબઈની નાગરિક સેવાઓની જવાબદારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસે છે, જે દેશનું સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે. BMCનું બજેટ ઘણા નાના રાજ્યોના બજેટ કરતાં પણ વધુ છે, છતાં દર વર્ષે મુંબઈને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઘટના ફરી એકવાર નાગરિક માળખાકીય સુવિધાઓની ખામીઓ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને ઉજાગર કરે છે.






