Rajkot: ૪ મે એ યોજાનાર નીટ પરીક્ષા માટે સમગ્ર દિવસ કંટ્રોલરૂમ રહેશે કાર્યરત

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઉમેદવારોને ૧:૩૦ પહેલાં પ્રવેશ મેળવવા અને ગેરરીતિથી દૂર રહેવા અનુરોધ
Rajkot: નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૦૨:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા દરમિયાન રાજકોટ શહેરના કુલ-૧૩ કેન્દ્રો ખાતે નીટ(યુજી)-૨૦૨૫ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા અન્વયે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રાજકોટ ખાતે નં.૦૨૮૧-૨૨૨૩૪૫૩ ઉપર કંટ્રોલરૂમ સતત કાર્યરત રહેશે.
પરીક્ષાર્થીઓ માટે પેપર શરૂ થવાના ૩૦ મિનીટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ બંધ કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાની સાથે એડમીટ કાર્ડ અને ફોટો આઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. ઉમેદવાર એડમીટ કાર્ડમાં છપાયેલ સુચના અનુસારની પ્રતિબંધિત વસ્તુઓ સાથે પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરી શકશે નહીં.
જાહેર પરીક્ષાઓના, સંચાલનમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાને પ્રોત્સાહન આપવા તથા છેતરપીંડી, પ્રશ્નપત્ર લીક જેવી બાબતોને અટકાવવા માટે “The Public Examinations (Prevention of Unfair Means) Act, 2024” અમલી કરાયેલ છે. નીટ(યુજી)-૨૦૨૫ પરીક્ષા સંદર્ભે કોઇ અસામાજિક તત્વો તરફથી પરીક્ષામાં ઉત્તીર્ણ કરાવી આપવા, પ્રશ્નપત્ર લીક કરવા વગેરે ખોટી, લોભામણી જાહેરાતો આપી પરીક્ષાર્થીઓને ઠગવાના પ્રયાસો કરવામાં આવે તો, આવા અસામાજિક તત્વોથી પરીક્ષાર્થીઓ અને તેના વાલીઓને દૂર રહેવા અને આવા ખોટા પ્રલોભનોથી બચવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. The Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 અંતર્ગત પરીક્ષાઓમાં અયોગ્ય રીતો ઉપયોગ કે કોઈ છેતરપિંડી કરનારાઓ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે તેમ નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે. ગૌતમની યાદીમાં જણાવાયું છે.



