
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે માનવજીવન અસ્તવ્યસ્ત થતુ જોવા મળી રહ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી તથા તાપી જિલ્લાની નદીઓમાં પૂર આવવાને કારણે કેટલાય લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે લોકોને વળતર ચૂકવવાને બદલે સરકાર દ્વારા સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલના નામ પર તાયફાઓ કરવામાં આવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યુ છે.દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.નદીઓ બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે.ડાંગ જિલ્લાને અડીને આવેલા નવસારી તથા તાપી જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતા મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં માનવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હોવા છતાં પણ 29મી જુલાઈનાં રોજ સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ એટલે મેઘ મલ્હાર પર્વનું ઉદ્ઘાટન કરીને સરકાર દ્વારા તાયફાઓ કરવામાં આવશેનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા એ પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. જેથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓનાં મનોરંજન અર્થે ઋતુ આધારિત ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે.જે આવકારદાયક છે. પરંતુ વર્ષ 2009 થી આજ દિન સુધી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ખાતે ફેસ્ટિવલના નામ પર માત્ર તાઈફાઓ જ કરવામાં આવી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. કારણકે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અગાઉથી કોઈ પણ જાહેરાત કે સંકલન કર્યા વગર જ તાત્કાલિક જ આયોજન કરીને આ પ્રકારનાં ફેસ્ટિવલનું આયોજન કરી દેવામાં આવતુ હોય છે.તેવામાં આ ફેસ્ટિવલને લઈને હોટલીયરો અને પ્રવાસીઓ પણ અવઢવમાં મુકાયા છે.ત્યારે અહી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે જ ફેસ્ટિવલનાં નામ પર કરોડો રૂપિયાની લ્હાણી કરવામાં આવતી હોય તેવુ જણાઈ રહ્યું છે.જોકે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનાં કારણે લોકોની દયનીય સ્થિતિ બની છે. અને તેવામાં સરકાર દ્વારા લોકોને સહાય કે વળતર ચૂકવવાને બદલે આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરીને માત્ર નાણાં વેડફવામાં આવતા હોય તેવી લોકચર્ચાએ વેગ પકડ્યો છે..





