નબીપુર ખાતે ઇદે મિલાદના પર્વની શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરાઈ, બાળકો, યુવાઓ અને અબાલ વૃદ્ધો જુલુસમાં જોડાયા, નબીપુર પોલીસ દ્વારા બંદોબસ્ત રખાયો.
સમીર પટેલ, ભરુચ
આજે ઇસ્લામના છેલ્લા નબી મોહંમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે જેને સમુદાયના લોકો ઇદે મિલાદ ના તહેવારના નામે શ્રધ્ધા પૂર્વક ઉજવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરાઈ હતી અને ત્યારબાદ ગામના મદ્રસા ના પ્રતાનગણ મા ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઉપસ્થિતો એક જુલુસના સ્વરૂપમાં નાતશરીફ ના પઠન સાથે ગામના મુખ્ય માર્ગી ઉપરથી જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાઓ અને અબાલ વૃદ્ધો જોડાયા હતા. ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પયગમ્બર સાહેબના બાલ મુબારકના દર્શન સૌ ને કરાવ્યા હતા. સમસ્ત નબીપુર ગામ તરફથી નિયાઝ નું આયોજન કરાયું હતું તેમાં સૌએ પ્રસાદી તરીકે દરેક ધર્મના લોકોએ પ્રસાદી ખાધી હતી. આ કાર્યક્રમ શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ મથક દ્વારા સુંદર બંદોબસ્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન, મન અને ધનથી પ્રોગ્રામની સફળતા માટે ખૂબ સારું કામ કર્યું હતું.




