વસ્ત્રાપુર હાટ ખાતે ૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન બાગાયત ખેડૂત હાટનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: વસ્ત્રાપુર હાટ ખાતે નાયબ બાગાયત નિયામક, અમદાવાદની કચેરી દ્વારા ૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, બાગાયતી ઉત્પાદકો અને શહેરી ખેતીના ઉદ્યોગકારો ભાગ લેશે.
આ ખેડૂત હાટમાં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો અને શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ યોજાશે. ખાસ કરીને, પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન ફળ અને શાકભાજી, જામ, જેલી, શરબત, અથાણાં, કેચઅપ જેવી મૂલ્યવર્ધીત પેદાશો તથા ગૃહ ઉદ્યોગ માટેની ફૂડ પ્રોસેસિંગ મશીનરી પણ ઉપલબ્ધ રહેશે.
કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનીકો, શહેરી ખેતી માટેના સાધનો (જેમ કે કુંડા, રોપા, કોકોપીટ, ગ્રો બેગ)નું પ્રદર્શન અને શહેરી ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
પ્રદર્શન મથક સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યાં લાઇવ બાગાયતી પેદાશો પણ જોવા મળશે. આ હાટ દ્વારા પ્રાકૃતિક અને બાગાયત કૃષિ પ્રત્યે જાગૃતિ વધારવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.




