PARDIVALSAD

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

 — ઈન્ટેકવેલ આધારિત આ યોજના સાકાર થવાથી ૧.૧૬ લાખ વસતીને શુદ્ધ પીવાનું પાણી મળશે

— યોજનાના પેકેજ-૧ માં ૧૮ ગામોના ૪૪,૫૯૨, પેકેજ-૨માં ૨૨ ગામોના ૭૧,૬૭૧ લોકોને લાભ મળશે

—પાઈપલાઈનનું કામ પુરૂ થઈ ચૂક્યું છે જ્યારે મોટી ટાંકીઓનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ મે

રાજ્યના દરેક વિસ્તારોમાં પાણી પહોંચાડવાના ધ્યેય સાથે રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરેક જગ્યાએ પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે પીવાના પાણીની સમસ્યાનું પણ નિરાકરણ લાવવા માટે અલગ અલગ જુથ પાણી પુરવઠા યોજનાઓ હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ  દરેક તાલુકાના ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે જુદી જુદી જુથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે.

પારડી તાલુકામાં કાંઠા વિસ્તારના ગામો સરફેસ સોર્સ આધારિત પારડી કોસ્ટલ જુથ યોજના હેઠળ પાઈપલાઈન મારફતે પાણી પુરવઠો મેળવે છે જ્યારે બાકી રહેતા ગામો પાણી મેળવવા માટે ભૂગર્ભ જળ આધારિત યોજનાઓ મારફતે પાણી મેળવે છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં ભૂગર્ભ જળનું લેવલ નીચું જવાથી આવા વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાતી હોય છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે પાર નદીમાં ઈન્ટેકવેલ આધારિત રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી જુથ પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના બે પેકેજમાં કાર્યરત થશે. જેના પેકેજ-૧ માં ૧૮ ગામોના ૪૪,૫૯૨, પેકેજ-૨માં ૨૨ ગામોના ૭૧,૬૭૧ લોકો મળી કુલ ૧,૧૬,૨૬૩ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચતું થશે. આ યોજના દ્વારા આરઓ ફિલ્ટર પાણી ફળિયા લેવલ સુધી પહોંચાડવામાં આવશે. યોજનાના પેકેજ – ૧ ના ભાગરૂપે પાર નદીમાં ઈન્ટેકવેલ દ્વારા પાઈપલાઈન મારફતે પાણીને ફિલ્ટરેશન માટે ધગડમાળ ગામ ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. ધગડમાળ ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટ, ભુગર્ભ ટાંકો, પંપિંગ મશીનરી, ઊંચી ટાંકી વગેરેના બાંધકામની કામગીરી પૂર્ણતાને આરે છે.

હાલમાં ધગડમાળ ખાતે ફિલ્ટરેશન પ્લાન્ટની સાથે સાથે ૨.૭ લાખ લિટર અને ૭.૯ લાખ લિટરની ક્ષમતાવાળી બે ટાંકીઓ બનાવવામાં આવી છે. અહીંથી ફિલ્ટર પાણી પારડીના ૧૮ ગામોના ૧૬૮ ફળિયામાં પાણી પહોંચાડવા માટે પાઈપલાઈનની, દરેક ગામમાં પાણી સંગ્રહ માટે ૧૪ મોટી ટાંકીઓ, ૧૫૦થી પણ વધુ ફળિયામાં અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેના દ્વારા આ ગામોના દરેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. ધગડમાળ ખાતે ફિલ્ટરેશનની પ્રક્રિયા કરવા માટે પંચલાઈ ખાતેના પારનદીના ડેમમાંથી ઈન્ટેકવેલનું બાંધકામ પુરૂ કરી દેવાયું છે જ્યાંથી પાણી સીધું જ ધગડમાળ પહોંચે છે. ફિલ્ટરેશનની પ્રક્રિયા માટે ફિલ્ટરમાં આવે છે જેને પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે ઉપરથી ખુલ્લું રાખવામાં આવ્યું છે. ફિલ્ટરેશન પુરૂ થયા બાદ બંને મોટી ટાંકીમાં પાણી ચડાવી દરેક ગામમાં બનાવવામાં આવેલી મોટી ટાંકીઓમાં અને ત્યાંથી ફળિયામાં બનાવવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે.

વલસાડ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલે જણાવ્યું હતું કે, આ યોજના માટે કુલ રૂ.૧૧૨.૪૮ કરોડની મંજૂરી મળી હતી. યોજનાના ધ્યેય અનુસાર પારડી તાલુકાના ૪૦ ગામોને પીવાનું આર.ઓ પાણી મળી રહે તે માટે વધુ ક્ષમતાઓ વાળી ટાંકીઓ ધગડમાળ ખાતે બનાવવામાં આવી છે. તેમજ ફિલ્ટરેશન પ્રોસેસનું ટેસ્ટિંગ પણ સફળતા પૂર્વક પુરૂ થયું છે. પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું ટેસ્ટિંગ પણ નજીકના ગામોમાં થઈ ચુક્યું છે અને ટૂંક જ સમયમાં દરેક ગામોમાં શુદ્ધ પાણી પહોંચતું થઈ જશે.

બોક્સ

પેકેજ-૧ ના લાભાર્થી ગામો

અરનાલા, બાલદા, ચીવલ, ડહેલી, ધગડમાળ, કચવાલ, કુંભારીયા, લખમપોર, મોટા વાઘછીપા, નાના વાઘછીપા, નવેરી, નિમખલ, પંચલાઈ, પરવાસા, પાટી, સોંઢલવાડા, સોનવાડા, સુખેશ

 પેકેજ-૨ ના લાભાર્થી ગામો

અંબાચ, આમળી, આસ્મા, બરઈ, બોરલાઈ, દસવાડા, ડુમલાવ, ડુંગરી, ગોઈમા, ખડકી, ખેરલાવ, ખુંટેજ, પરિયા, રાબડી, રોહિણા, સામરપાડા, સરોધી, સુખલાવ, તરમાલિયા, તુકવાડા, વરઈ, વેલપરવા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!