RAMESH SAVANI

આ સંસદસભ્યો છે કે કઠપૂતળીઓ છે?

ગુજરાતની લોકસભાની કુલ 26 બેઠકો છે; તમામ બેઠકો સત્તાપક્ષના કબ્જામાં છે. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલ 2024ના રોજ શરુ થશે અને સાતમો તબક્કો 1 જૂન 2024ના રોજ પૂર્ણ થશે. મતગણતરી 4 જૂનના રોજ થશે. ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે. સત્તાપક્ષના સંસદસભ્યો લોકોને હિન્દુત્વનું ભગવું ગાજર દેખાડી રહ્યા છે ! ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સત્તાપક્ષનો પ્રચાર કરતા 26 સંસદસભ્યોને પડકાર ફેંક્યો છે કે શું આ સંસદસભ્યોએ લોકસભામાં જઈ લોકોની પીડા અંગે મોં ખોલ્યું છે ખરું?
[1] તમારા મત વિસ્તારના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીનો ભોગ બની રહ્યા છે. આ બાબતે તમે લોકસભામાં રજૂઆતો કરી? જાહેર ભાષણોમાં આ મુદ્દા અંગે ક્યારેય બોલ્યા?
[2] વર્ષ 2016-17 થી ચાર વર્ષ પાકવીમા યોજનામાં ઓછામાં ઓછો 40,000 કરોડનો ખેડૂતોના હક્કનો પાકવિમો ખવાઈ ગયો, એ કાગળ પર સાબિત થયું એટલે સરકારે પાકવીમા યોજના બંધ કરી; આ બાબતે ક્યારેય અવાજ ઊઠાવ્યો છે?
[3] ખેડૂતોને છેલ્લા 10 વર્ષમાં બિયારણ, ખાતર, દવા, ડીઝલ, મજૂરી બધું બે ત્રણ ગણું વધ્યું અને તેની સામે ખેત પેદાશના ભાવ સ્થિર રહ્યા અથવા તો ઘટ્યા છે; આ બાબતે આપે ક્યારેય મોં ખોલ્યું છે?
[4] ડુપ્લિકેટ બિયારણ, દવા, ખાતર ના હજારો ખેડૂતો ભોગ બન્યા; આ બાબતે ખેડૂતો વતી તંત્રને ક્યારેય ઢંઢોળ્યું છે?
[5] વર્ષે માત્ર 6 હજાર રૂપરડી આપી કેન્દ્ર સરકાર વર્ષે ખેડૂતોના ખીસ્સામાંથી પરોક્ષ રૂપે 50,000 છીનવી લે છે; આ બાબતે ક્યારેય રજૂઆત કરી?
[6] સરકારી અને ખાનગી પ્રોજેક્ટમાં ખેડૂતોની મહામૂલી જમીનનું પાણીના ભાવે થતું જમીન સંપાદન, વિન્ડફાર્મ અને સોલાર કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવતી વીજ લાઈનો અને ખેતરમાં ઉભા કરવામાં આવતા વીજપોલ બાબતે ખેડૂતોની હાડમારી બાબતે ક્યારેય અવાજ ઊઠાવ્યો છે?
[7] એક બાજુ ખેડૂતો પાણી પાણી કરતા હોય અને બીજી બાજુ તૂટેલા સાઈફુન રિપેર ન થવાના કારણે, તૂટેલી નહેરો, ગાબડા પડતી નહેરોના કારણે લાખો ક્યુસેક પાણી વેડફાઈ જાય છે. આ બાબતે કોઈ રજૂઆત કરી છે?
[8] 17 સપ્ટેમ્બર 2023ના રોજ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને ખુશ કરવા નર્મદા ડેમ પહેલા છલોછલ ભર્યો અને પછી આયોજન વગર પાણી છોડવાના કારણે 5 જિલ્લાના લોકોને જીવના/મિલકતના જોખમ હેઠળ મૂક્યા હતા; આ બાબતે કોઈ રજૂઆત કરી છે?
[9] 2019 ના અંત સુધીમાં સૌરાષ્ટ્રના તમામ 215 નાના મોટા ડેમ છલોછલ ભરવાની યોજના હતી, પરંતુ 2024 માં 7 ડેમ છલોછલ ભરી શક્યા નથી ! આ બાબતે સવાલ પૂછ્યો છે?
[10] કલ્પસર યોજનાનું સૌરાષ્ટ્ર વાસીઓને રૂપકડું સપનું બતાવ્યું, તેની પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં ઉદ્ઘાટનના નારિયેળ ફોડવાથી વધારે પ્રગતિ થઈ નથી ! આ બાબતે કોઈ રજૂઆત કરી છે?
[11] છેલ્લા દશ વર્ષમાં ટેકાના ભાવે ખરીદીમાં મગફળી, ચણા, તુવેરમાં હજારો કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને ‘કોઈપણ ચમરબંધીને છોડવામાં નહિ આવે’ તેવા દેકારા કર્યા; પરંતુ એકપણ ભ્રષ્ટાચારી પકડાયો નહીં; આ બાબતે કોઈ રજૂઆત કરી છે?
[12] જે માતાપિતાએ પેટે પાટા બાંધી, પોતાના સંતાનોને ભણાવ્યા. યુવાનોએ આંખો ફોડી પરીક્ષાઓની તૈયારીઓ કરી અને જ્યારે પરીક્ષા આપવા ગયા ત્યારે એક વખત નહીં, પચ્ચીસ વખત પેપર ફૂટી ગયું; આ વ્યથા અંગે તંત્રને ક્યારેય પૂછ્યું છે?
[13] દેશના ખેડૂતો બે બે વર્ષ દિલ્હીનો ઘેરાવ કરી આંદોલન કરે, 700 થી વધારે ખેડૂતો શહીદ થઈ જાય; વડાપ્રધાને બાંહેધરી આપી કે MSP કાયદો બનાવીશું ! આપે એકપણ વખત MSP માટે અવાજ ઊઠાવ્યો હતો?
[14] બેરોજગારી/ મોંઘવારી/ ભ્રષ્ટાચાર/ સરકારી શાળાઓમાં નિયમિત શિક્ષકો મૂકવા/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર્સ/ સ્ટાફ મૂકવા વગેરે લોકોને પીડા આપતી સમસ્યાઓ બાબતે આપે કોઈ વખત રજૂઆત કરી છે? આપ લોકોના પ્રતિનિધિ છો તો લોકોની સમસ્યાઓ બાબતે એકપણ વખત રજૂઆત કરી હોય તો જણાવો ! તમારી પાસે વીડિયો/ પેપર કટિંગ હોય તો લોકો સમક્ષ મૂકશો? આ સવાલોના જવાબ જાહેર માધ્યમો થકી કે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપશો?
લોકશાહી દેશના વડાપ્રધાને 10 વરસમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી ! આ સ્થિતિમાં સત્તાપક્ષના સંસદસભ્યો પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને પોતાની સેવાનો હિસાબ આપે તે શક્ય નથી ! કદાચ એમનું મોં ત્યારે જ ખૂલે જે જ્યારે સામે બેઠેલ જ્ઞાતિજનોને મિથ્યાભિમાનના ડોઝ આપવાના હોય ! સવાલ એ છે કે આ સંસદસભ્યો છે કે કઠપૂતળીઓ છે?rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!