VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઇ

— બહુધા લોકોને સ્પર્શતા પ્રજાહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા જરૂર પડયે સીઆરપીસી કલમ ૧૦૭ અને ૧૩૩નો ઉપયોગ કરવા જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરી

— વાહન હંકારતી વખતે અધિકારીઓ અને કર્મીઓ માટે સીટ બેલ્ટ અને હેલમેટ પહેરવુ ફરજિયાત, નહી પહેરશો તો વધુમાં વધુ દંડનું ચલણ ફટકારાશેઃ જિલ્લા કલેકટરશ્રી

— વલસાડ, ગુંદલાવ, ખેરગામ રોડ ઔરંગા બ્રિજ જે હાલ બિસ્માર છે તેને નવો ફોરલેન બ્રિજ બનાવવા સરકારમાંથી મંજૂરી મળી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન

વલસાડ જિલ્લા સંકલન –વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક તા. ૧૭ જૂનને શનિવારે સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગત માસમાં પડતર રહેલા ૧ પ્રશ્નો અને ચાલુ માસના ૯ પ્રશ્નો મળી કુલ ૨૬ પેટા પ્રશ્નોની ચર્ચા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બહુધા લોકોને સ્પર્શતા પ્રજાહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા માટે જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરી હતી અને જરૂર પડયે સીઆરપીસી કલમ ૧૦૭ અને ૧૩૩નો ઉપયોગ કરવા માટે પણ તાકીદ કરી હતી. આ સાથે જિલ્લા સરકારી અધિકારી અને કર્મીઓને જણાવ્યુ કે, વાહન હંકારતી વખતે સીટ બેલ્ટ અને હેલમેટ પહેરવુ ફરજિયાત છે જો નહીં પહેરશો અને પકડાશો તો વધુમાં વધુ દંડ થાય તે મુજબનું ચલણ આપવામાં આવશે જેથી રોડ સેફટીના નિયમોનું પાલન કરવા માટે સૂચન કર્યુ હતું.

બેઠકમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, ઉમરગામ જુથ પાણી પુરવઠા યોજનામાં વલવાડાથી ભીલાડ મુખ્ય પાણી સંગ્રહ ટાંકીને જોડતી પાઈપલાઈનમાં કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠાને મળેલી રજૂઆત પ્રમાણે ભીલાડના સર્વે નં. ૩૧૯ અને ૩૨૧ સંજયભાઈ ડાહ્યાભાઈ ગુદરાસીયાની માલિકીની જમીન આવેલી છે. જે માલિકીની જમીનમાંથી ૧૫ વર્ષ પહેલા જુની પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જે પાઈપલાઈન અને નવી પાઈપલાઈન કાઢવા માટે સંજયભાઈ પાણી પુરવઠા વિભાગને દબાણ કરવતા હોવાથી કામ અટક્યુ છે. જેથી આ પ્રશ્નનો ઉકેલ જરૂરી છે. જે મામલે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, ઉમરગામ તાલુકાના ૪૦ ગામોને પાણી પુરી પાડતી આ મહત્વની લાઈન છે. જે સંજયભાઈની ખાનગી જમીનમાંથી પસાર થનાર છે. જે માટે તેમને વળતર આપવાની વાત કરી પરંતુ તેમણે તે સ્વીકારવાની ના પાડી છે. જે મામલે કલેકટરશ્રીએ જરૂર પડયે પોલીસ પ્રોટેકશન લઈ કાયદા મુજબ કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય પાટકરે ભીલાડ અને માણેકપુરમાં બે છાત્રાલયો બજેટમાં મંજૂર થયેલા તેની કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે એમ પૂછતા આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર કચેરીના પ્રતિનિધિએ જણાવ્યું કે, છાત્રાલયના મકાનના બાંધકામ માટે સરકારી પડતર જમીન શોધવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ ભાડાનું મકાન મળ્યેથી છાત્રાલય શરૂ કરાશે. આ સિવાય કલગામ ખાતે એકલવ્ય મોડલ સ્કૂલ મંજૂર થયા બાદ જમીન ફાળવણી અંગે ધારાસભ્યશ્રીએ પ્રશ્ન કરતા ચીટનીશ ટુ કલેકટરે જણાવ્યું કે, મહેસૂલ વિભાગમાં માંગણીવાળી જમીન ગૌચર હેડ હેઠળ ચાલતી હોય પૂર્વ પરવાનગી તથા જમીન ફાળવણી માટે દરખાસ્ત કરી છે. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, મોડેલ સ્કૂલ માટે ૫ એકર જમીન મેળવવા ઉમરગામના મામલતદારને પત્ર લખ્યો છે.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પારનેરા ડુંગર પર વિકાસ માટે ૧ વર્ષ પહેલા ૧ કરોડ મંજૂર થયેલા તેની કામગીરી બાબતે પૂછતા ઉત્તરના નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે, ટેન્ડરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં રસ્તાઓ ઉપર વીજ કંપનીના નડતરરૂપ થાંભલા ખસેડવામાં આવે તો રસ્તાનું કામ થઈ શકે તેમ હોવાનું ધારાસભ્યએ જણાવતા માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે ડીજીવીસીએલ દ્વારા પોલ શીફટીંગની કામગીરી બાકી હોવાનું જણાવ્યુ હતું. માર્ગ મકાન દ્વારા જે નાણાંની ભરપાઈ કરવાની હતી તે પણ કરી દેવાઈ છે. વલસાડ તાલુકાના ભાગડાવડા, ભાગડાખુર્દમાં પાળાનું ટેન્ડરીંગ બહાર પાડવામાં આવ્યુ હતું પરંતુ કામ કયારે ચાલુ થશે તે પૂછતા દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, જુના પાળાનું મજબૂતીકરણ અને નવા પાળા બનાવવા માટે ટેન્ડરીંગ બહાર પાડયુ છે.  વલસાડ તાલુકા પંચાયતના નવા મકાનનું બાંધકામ કયારે શરૂ કરાશે એવા ધારાસભ્ય ભરતભાઈના પ્રશ્નના જવાબમાં માર્ગ મકાન (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, નવા મકાન માટે રૂ. ૨૪૦ લાખની વહીવટી મંજૂરી મળી હતી પરંતુ હાલ તાલુકા પંચાયત કચેરીના નવા મકાનની યુનિટ કોસ્ટ રૂ. ૩૧૦ લાખ છે. જેથી વિકાસ કમિશનર કચેરીથી મંજૂરી આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. ભરતભાઈએ વલસાડ સિવિલ રોડ, શહીદ ચોક મસ્જીદથી ધોબી તળાવ થઈ કોસંબા જવા રોડ પરના દબાણ દૂર કરવા અંગે પૂછતા પાલિકા ચીફ ઓફિસરે દિન ૧૦માં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ખાતરી આપી હતી. વલસાડ, ગુંદલાવ, ખેરગામ રોડ ઔરંગા બ્રિજ જે હાલ બિસ્માર છે. જે નવા બનાવવા સરકારમાં રજૂઆત કરી હતી તે બાબતે દરખાસ્ત કરાઈ કે કેમ એમ ધારાસભ્ય ભરત પટેલે પૂછતા માર્ગ મકાન (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે કહ્યું કે, હાલના હયાત સાંકડા ડુબાઉ પુલની જગ્યાએ નવો ફોરલેન બ્રિજ બનાવવા સરકારમાંથી મંજૂરી મળી છે.

વલસાડ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધવલ પટેલે જણાવ્યું કે, ડુંગરીના રહીશ રાજુભાઈ રાજેન્દ્રભાઈ પટેલને દમણગંગા નહેર સંશોધન વિભાગ દ્વારા સરોણ ગામે બ્લોક નં. ૪૯૦ અને ૫૦૨ વાળી જમીનના ખેતરે અવર જવર કરવા ક્રોસિંગ સ્વ-ખર્ચે બનાવવા ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે મુદ્દે ધવલ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ જમીન વનિતાબેન રાજુભાઈ પટેલના નામે છે અને બિનખેતીની જમીન છે. ખેતરે આવવા જવાનો કોઈ પ્રશ્ન નથી. સંબંધિત વિભાગની મંજૂરી વિના નાળા નાંખી પુરાણ કરી રસ્તાની કામગીરી કરી દીધી હતી. જેથી ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જવાથી ગંભીર નુકશાન થાય તેમ છે. જેથી સરકારી કાંસની જગ્યા ખુલ્લી કરવા અને બાંધકામ દૂર કરવા તેમજ દમણગંગા નહેર વિભાગે આવેલી મંજૂરી રદ કરવા માંગ કરી હતી. જે બાબતે દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેરે ના વાંધા પ્રમાણપત્ર રદ કરી હાલમાં બનાવેલુ સ્ટ્રકચર તાત્કાલિક દૂર કરવા આદેશ કરાયો છે તેમ જણાવ્યું હતું.

ભાગ-૨ માં જિલ્‍લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકીરીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર.ઝા, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ ડી.જે.વસાવા, કેતુલ ઇટાલીયા, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નિશા રાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋુષિરાજ પુવાર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!