RAMESH SAVANI

‘કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે !’

ઘણાં અરમાનો હતાં જવાહરલાલ નેહરુને ઊખેડીને તેમની જગ્યા લેવાનાં ! તેમને ઝાંખા પાડી દેવાનાં ! આપણે એ વાત જાણીએ છીએ કે પૂર્વસૂરીઓના ખભા પર ચડવાથી વધારે દૂર સુધી દેખાય, ક્ષિતિજ વિસ્તરે. ઇતિહાસમાં જેટલા મહામાનવો થયા છે એ આ રીતે જ થયા છે. પણ અહીં ઈરાદો નેહરુના ખભા પર ચડવાનો નહોતો, નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો હતો, તેમને ઝાંખા પાડવાનો હતો. જો કે એમાં પણ કાંઈ ખોટું નથી જો એવા કોઈ માણસનું તત્વજ્ઞાન કે દૃષ્ટિકોણ અપ્રાસંગિક લાગતો હોય તો. ઇતિહાસમાં એવા પણ મહામાનવ થયા છે, વિચારકો થયા છે જેમણે આગળથી ચાલ્યા આવતા વિચારોને, દૃષ્ટિકોણને અપ્રાસંગિક સિદ્ધ કર્યા છે અને નવું તત્ત્વજ્ઞાન અને જીવનમૂલ્યો સ્થાપિત કર્યાં છે.
ઇતિહાસમાં જગ્યા મેળવવાના બે રસ્તા છે. એક આગળ થઈ ગયેલા મહામાનવોના ખભા પર ચડીને દૂરનું જુઓ અને માર્ગનો વિસ્તાર કરો. જવાહરલાલ નેહરુ આવા એક મહાપુરુષ હતા. ખભા પર ચડીને દૂરનું જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. દરેકને ખભા પર ચડવાથી દૂરનું દેખાતું નથી. બીજો રસ્તો છે જૂના માર્ગને અપ્રાસંગિક સિદ્ધ કરીને પોતાનો માર્ગ કંડારવાનો. બીજો માર્ગ વધારે અઘરો છે, કારણ કે તેમાં વૈક-લ્પિક દર્શન જોઈએ. ગજબની મૌલિકતા જોઈએ. દુનિયાથી અલગ વિચારવા માટે અને જીવી બતાવવા માટે હિંમત જોઈએ. આવા લોકોને યુગપુરુષ તરીકે ઓળખાવી શકાય.
મહાત્મા ગાંધીનું દર્શન કે ફિલસુફી અવ્યવહારુ છે અને એટલે અપ્રાસંગિક છે એવું ઘણાને લાગતું હતું અને આજે પણ લાગે છે. લોકમાન્ય તિલક અને લાલા લજપતરાયે તો ગાંધીજીને પત્ર લખીને મોઢામોઢ આમ કહ્યું હતું. કાનાફૂસી નાના અને નીચ માણસો કરે, મોટા માણસો આંખથી આંખ મેળવીને વાત કરે. બીજી બાજુ એવા લોકો પણ હતા જેમને એમ લાગતું હતું કે ગાંધીજીનું દર્શન નવી દિશા આપનારું છે. બહુ ખેડાયેલા, પણ સમાજને સાચી શાંતિ અને સુરક્ષા નહીં આપનારા માર્ગને ક્યાં સુધી ખેડતા રહેવાનો ! સમાજ નામના વટેમાર્ગુને ગાંધીજીએ નવો રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું કે તમારા કાળજામાં એટલી તાકાત છે જેટલી એટમ બોમ્બમાં પણ નથી. આધુનિક યુગમાં જો કોઈની પ્રાસંગિકતા વિષે સૌથી વધુ ચર્ચા થઈ હોય તો એ ગાંધીજી વિષે. આજે પણ થાય છે, લગભગ દર અઠવાડિયે એક નવું પુસ્તક બજારમાં આવે છે. જો જવાહરલાલ નેહરુને ઊખેડીને ફગાવી દેવા હોય તો એ પહેલાં ગાંધીજીને અપ્રાસંગિક સિદ્ધ કરવા પડે !
પણ આજે આપણે જોઈએ છીએ કે તેઓ ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાના અને નેહરુને ઊખેડીને ફેંકી દેવાના ફાંફા મારે છે. કારણ એ છે કે તેમની પાસે કોઈ મૌલિક વૈકલ્પિક દર્શન નથી. વૈકલ્પિક દર્શન નથી એટલે તેઓ પ્રભાવી વિમર્શ કરી શકતા નથી. તેમની પાસે આ બન્ને મહાનુભાવોની બદનામી કરવા સિવાય કોઈ સાધન નથી. ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જગ્યાએ તેઓ કાનાફૂસી કરે છે. વોટ્સેપમાં જુઠાણાં ફેલાવે છે. આ બધું જોઇને તેમની ઉપર ગુસ્સો નથી આવતો, દયા આવે છે. આટલી દરિદ્રતા? ગાંધીજીની ફિલસુફી અપ્રાસંગિક છે એ સિદ્ધ કરતું એક પુસ્તક તેઓ સો વરસમાં આપી શક્યા નથી. નેહરુની નીતિની ટીકા કરનારા સેંકડો પુસ્તકો પ્રકાશિત થયા છે, પણ સંઘ પરિવાર એવું એક પણ પુસ્તક આપી શક્યો નથી. પુસ્તક છોડો એક દીર્ઘ લેખ આપી શક્યા નથી.
પ્રશ્ન એ છે કે કોઈ સંસ્થા, સંગઠન, પ્રવૃત્તિ કે આંદોલન કેવળ બીજાની ટીકા કરીને અને એ પણ એકપક્ષીય, એટલું જ નહીં, પણ માત્ર અને માત્ર કાનાફૂસી કરીને કેટલો સમય ચાલે અને જો ચાલે તો કેટલા પ્રભાવી બની શકે? હિન્દુત્વવાદીઓ સંકટમાં આવે ત્યારે રસ્તા પરથી હટીને ઝુકી જાય છે એટલે ટકી તો શક્યા છે, પણ દેશના હિંદુઓને તેઓ કશું જ આપી શક્યા નથી. આવા દીર્ઘાયુનો પણ શો અર્થ? તેઓ ભારતમાં સંપૂર્ણ બહુમતી સાથે શાસન કરે છે, એ પછી પણ હિંદુઓને આપવા માટે તેમની પાસે કાંઈ જ નથી. દસ વરસમાં તેમણે મુસલમાનો પાસેથી છીનવી લીધું છે, પણ હિંદુઓને કશું મળ્યું નથી. હા, મુસલમાનોનું છીનવાય એમાં હિંદુઓ પ્રાપ્તિ સમજતા હોય તો જૂદી વાત છે ! આવી પરપીડન વૃત્તિ અને તેમાં સુખનો અનુભવ ઘણા લોકો ધરાવતા હોય છે.
આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ચૂંટણી સભાઓમાં વડાપ્રધાનના ભાષણો સાંભળો. બીજાને ગાળો આપવા સિવાય અને હિંદુઓને ડરાવવા સિવાય તેમની પાસે કશું જ કહેવાનું નથી. 1 મે 2024ના રોજ, બનાસકાંઠામાં ચૂંટણી સભામાં વડાપ્રધાને કહ્યું કે ‘કૉંગ્રેસ સત્તામાં આવશે તો 55 ટકા ટૅક્સ નાખશે. 10 એકરનું ખેતર તમારી પાસે હશે તો પાંચ એકર સરકાર લઈ લેશે, બે ભેંસ હશે તો એક ભેંસ તેમની સરકાર લઈ લેશે ! આવું કોંગ્રેસે તેમના મેનિફેસ્ટોમાં લખ્યું છે !’ હળાહળ જૂઠ ! જોર જોરથી બોલો ! વારંવાર બોલો ! ઢમઢોલ માંહે પોલ ! માત્ર આડંબર ! માત્ર ડોળ ! ગોદી મીડિયા આ જૂઠને હજાર ગણું ફેલાવે છે ! કોઈ સરપંચ પણ આવું જૂઠ ન બોલે તેવું વડાપ્રધાન બોલી રહ્યા છે ! મોંઘવારી/ બેરોજગારી/ શિક્ષણ/ સ્વાસ્થ્ય/ સુરક્ષા વિશે ચૂપ રહેવાનું અને મુસ્લિમો પ્રત્યે ધૃણા ફેલાવી બહુમતી હિન્દુઓના માનસ પ્રદૂષિત કરવાની એક પણ તક છોડવાની નહીં ! જેમ જેમ પ્રતિકુળતાઓ વધી રહી છે એમ વડા પ્રધાન પાસેથી અપેક્ષિત મર્યાદા તૂટી રહી છે અને સભ્યતાનું સ્તર નીચે જઈ રહ્યું છે. સવાલ એ છે કે ભારત જેવા દેશના વડા પ્રધાન સાવ આવા હોય?rs [સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, 2 મે 2024. કાર્ટૂન સૌજન્ય : Mir Suhail]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!