જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જૂનાગઢના કેરાળા, ભિયાળ અને વડાલ ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

શિક્ષણ જ દરેક સમસ્યાનું સમાધાન: બાળકની શક્તિને કેળવવા શિક્ષકો પુરુષાર્થ કરે: નિતીન સાંગવાન
૦૦૦૦૦
જૂનાગઢ તા.૨૭ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના કેરાળા, ભિયાળ, અને વડાલ ખાતે આવેલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જિલ્લા વિકાસ અધિકારી નિતીન કુમાર સાંગવાને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
શ્રી રામકૃષ્ણ પ્રથમિક શાળા, કેરાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ – ૧માં કુલ મળીને ૧૮ બાળકો તેમજ શ્રી ભિયાળ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ – ૧માં કુલ મળીને ૨૯ બાળકો તેમજ શ્રી વડાલ કુમાર પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ – ૧માં કુલ મળીને ૪૦ બાળકોએ તેમજ એ.જી.દોમડીયા માધ્યમિક શાળા વડાલમાં ધોરણ – ૯માં ૧૧૩ વિદ્યાર્થીઓ અને ધોરણ – ૧૧માં ૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા શાળામાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની પ્રગતિ તથા વિકાસ ગામના હાથમાં હોય છે. શિક્ષણ જ દરેક સમસ્યાનું સમાધાન છે. વર્ગ ખંડમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતું શૈક્ષણિક કાર્ય ખૂબ સારી રીતે અને ઉત્કૃષ્ટ અભિગમ સાથે કરવામાં આવે તથા બાળકોને પાયાના ધોરણથી જ ગુજરાતી સાથે અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ આપવામાં આવે જેથી તેમને ઉચ્ચ અભ્યાસ માટે નવી દિશા મળે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ અને શિક્ષણ તંત્રના કર્મચારીઓ જોડાયા હતા.







