
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં રવિવારે સાંજે 4 વાગ્યાથી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના 24 કલાકમાં આહવા અને સાપુતારામાં 32 મિમી (1.2 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે સુબીરમાં 27 મિમી (1.1 ઇંચ) અને વઘઈમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. આ મેઘમહેરને પગલે ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.રવિવારે ભારે વરસાદને કારણે જિલ્લાના 11 માર્ગો બંધ થયા હતા, જોકે સોમવારે વરસાદનું જોર ઘટતા તે તમામ માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.અને ચારેય બાજુ લીલોતરી છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લો તેના ગાઢ જંગલો, ઊંચા પહાડો અને રમણીય દ્રશ્યો માટે જાણીતો છે, અને આ વરસાદે તેની સુંદરતામાં અનેરો વધારો કર્યો છે.વરસાદી વાતાવરણ અને ઠંડી હવા માણીને પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો નોંધપાત્ર રીતે વધ્યો છે. પ્રવાસીઓ આહ્લાદક વાતાવરણનો અને કુદરતી નજારાઓનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ચોમાસાની સંપૂર્ણ મોસમ ખીલી ઉઠતા સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આ વરસાદ આગામી પાક માટે જમીનને પૂરતો ભેજ પૂરો પાડશે, જેનાથી સારા પાકની આશા બંધાઈ છે. એકંદરે, આ વરસાદે ડાંગ જિલ્લાના વાતાવરણને ખુશનુમા બનાવ્યું છે અને પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે પણ સકારાત્મક સંકેત છે..





