AHAVADANG

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ ધીમો પડયો છેલ્લા 24 કલાકમાં માત્ર સાપુતારા પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાનાં વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજાએ બુધવારે પણ પોતાની હાજરી પુરાવી હતી,જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા,ગીરા,ખાપરી અને પૂર્ણાનાં વહેણ તેજ બન્યા છે.ખાસ કરીને પર્યટન સ્થળ સાપુતારામાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.છેલ્લા ચોવીસ કલાકનાં સમયગાળામાં ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન, પ્રવાસીઓનું પ્રિય સ્થળ સાપુતારામાં 34 મિમી અર્થાત (1.3 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો.જેના પગલે  સમગ્ર વાતાવરણને આહ્લાદક બનાવી દીધુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કેટલાક દિવસથી સતત પડી રહેલ વરસાદને કારણે અહીના ધોધ અને ખળખળ વહેતા ઝરણા જીવંત બન્યા છે.જેનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં પણ 22 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે આહવા નગરનાં માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.જ્યારે સુબીર તાલુકામાં 13 મિમી અને વઘઈમાં 09 મિમી વરસાદ નોંધાયો હતો.આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે આ વરસાદ ખરીફ પાકો જેવા કે મકાઈ, ડાંગર, નાગલી અને અન્ય શાકભાજી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.વરસાદના કારણે ડાંગના જંગલો અને કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યા છે.ચારેબાજુ લીલીછમ હરિયાળી જોવા મળી રહી છે, જેના કારણે સાપુતારા જાણે કે ‘ગુજરાતનું કાશ્મીર’ બની ગયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ ગાઢ ધુમ્મસ અને ઠંડા પવન વચ્ચે ડાંગની સુંદરતા માણી રહ્યા છે.ઘણા પ્રવાસીઓએ આહવા, સાપુતારા અને વઘઈના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિના ખોળામાં સમય પસાર કર્યો હતો.વહીવટી તંત્ર પણ વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોને પણ નદી-નાળાની નજીક ન જવા અને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.જોકે, આ સારા વરસાદથી ડાંગના જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની સમસ્યા હલ થવાની આશા છે. આ વરસાદથી ભૂગર્ભજળના સ્તરમાં પણ વધારો થશે, જે ભવિષ્ય માટે એક સકારાત્મક સંકેત છે.આમ, ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર હકારાત્મક અસર જોવા મળી રહી છે, અને ખેડૂતો, પર્યટકો તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. આગામી દિવસોમાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ડાંગની હરિયાળી વધુ ગાઢ બનશે..

Back to top button
error: Content is protected !!