જગતના તાતને ફરીથી કુદરતે રોવડાવ્યા થરાદ પંથકમાં કમોસમી વરસાદ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઊભા પાક અને ઘાસચારો બરબાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, દોઢ મહિના પહેલા આવેલા વરસાદથી ખેતીને મોટો ફટકો પડ્યો હતો અને હાલમાં પણ વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ કમોસમી વરસાદે બાજરી જેવા પાકો અને પશુઓ માટેના ઘાસચારાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે.ખેડૂત અભેરામભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, “અમને ખરેખર ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે. દોઢ મહિના પહેલાના વરસાદથી અને હાલમાં પણ ચાલુ વરસાદથી પાક બરબાદ થઈ ગયો છે. અત્યારે ઘાસચારાની ગંભીર સમસ્યા છે. આ બાબતે સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.”અન્ય એક ખેડૂત રમેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે, “અમારી પાસે કંઈ જ વધ્યું નથી. પહેલા આવેલા વરસાદ અને વાવાઝોડાથી મોટું નુકસાન થયું હતું, પરંતુ સરકારે હજી સુધી કોઈ મદદ કરી નથી. બાજરી અને ઘાસચારો બધું જ નષ્ટ થઈ ગયું છે. ભેંસો અને લોકો ભૂખ્યા મરી રહ્યા છે.”રમેશભાઈએ વધુમાં ઉમેર્યું કે, “સરકાર માત્ર ચૂંટણી સમયે મદદના વાયદા કરે છે, પરંતુ મુશ્કેલીના સમયે કોઈ મળતું નથી. અત્યારે જે થોડો ઘણો પાક બચ્યો હતો, તે પણ ચાલુ વરસાદે નિષ્ફળ બનાવી દીધો છે. ખેડૂતોને ન તો સરકાર તરફથી સહાય મળે છે, ન તો દૂધના ભાવમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો શું કરે?” તેમણે સરકારને તાત્કાલિક આર્થિક સહાય અને ઘાસચારાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.




