
રાજપીપળા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની સંસ્થામાં આશ્રિત બાળકોએ રાજ્ય કક્ષાની ટેકવેન્ડો રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
ખેલ મહાકુંભ ૩.0 અંતર્ગત સુરતના વેસુ ખાતે રાજ્યકક્ષાની ટેકવેન્ડો રમત સ્પર્ધાનું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસિયેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા નર્મદાની સંસ્થામાં આશ્રિત બાળકો નર્મદા જીલ્લાનાં અંતરિયાળ ગામડાઓમાંથી આવતા હોય છે . જેમની માતા અથવા પિતાની છત્રછાયા ન હોવાથી એકલ વાલી પિતા અથવા માતા સાથે રહેતા હોય તેવા બાળકોનું ભવિષ્ય ન રૂંધાય જાય તે માટે કાળજી અને રક્ષણ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા નર્મદા ખાતે આશ્રય હેઠળ રહી નજીકની શાળાઓમાં અભ્યાસ કરે છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.0 અંતર્ગત રાજ્યકક્ષા અં-૧૪ અને અં-૧૭ અને ઓપન એજ ગૃપ ટેકવેન્ડો રમતની સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સુરતના વેસુ ખાતે તા. ૧ મે ૨૦૨૫ નાં રોજ આયોજિત કરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા નર્મદાની સંસ્થાનાં કુલ ૧૨ વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય કક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
બાળકોને આ રાજ્ય કક્ષાએ સુધી મોકલવા સતત તાલીમ અને પ્રેક્ટીસ કરાવનાર સંસ્થાના પી. ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટીચર તથા રમત ગમત સંકુલ રાજપીપળા- નર્મદાના કોચ ની સતત મહેનત અને અથાક પ્રયત્નથી સફળતા મળી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ નર્મદાનાં ચેરમેનશ્રી તેમજ સભ્યશ્રીઓ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનાં માનદ મંત્રી તેમજ સુપ્રીટેન્ડન્ટ અને કર્મચારીગણ દ્વારા સંસ્થાનાં બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે તેમ શુભેચ્છાઓ આપવામાં આવી હતી



