તહેવારોની સીઝન બાદ પણ પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૦% રેકોર્ડ વૃદ્ધિ…!!

તહેવારોની સીઝન પૂરી થયા બાદ પણ પેસેન્જર વાહનોના વેચાણમાં જંગી વૃદ્ધિ જળવાઈ રહી છે. ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન)ના આંકડા મુજબ, નવેમ્બર ૨૦૨৪ની ૩,૨૯,૨૫૩ યુનિટ્સની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ ૨૦% ઉછળીને ૩,૯૪,૧૫૨ યુનિટ્સ પર પહોંચ્યું છે. દિવાળી પછી પણ ખરીદીની મજબુત માંગ ટકી રહી હોવાને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણવામાં આવે છે.
ખરીફ અને રવી બંને પાકોની સારી સ્થિતિએ ગ્રામ્ય બજારમાં ખરીદી વધુ મજબૂત બનાવી છે, જેના કારણે ખાસ કરીને ટ્રેક્ટર સેગમેન્ટમાં ૫૭% જેટલો જંગી વધારો નોંધાયો છે. વાહનોનો સ્ટોક પણ ઘટીને ૪૪–૪૬ દિવસની સપાટી પર આવી ગયો છે, જ્યારે અગાઉ તે ૫૩–૫૫ દિવસ સુધી રહેતો હતો — જે માગ-પૂરવઠાનો સંતુલિત અને સ્વસ્થ પરિસ્થિતિનો સંકેત આપે છે.
જીએસટીમાં ઘટાડો અને દિવાળી પછીની લગ્નસરાની સીઝને પણ પેસેન્જર વાહનોની માંગને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પેસેન્જર વાહનોની સરખામણીએ ટુ-વ્હીલર્સમાં ૩%નો નાનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કમર્શિયલ વાહનોમાં ૨૦% અને થ્રી વ્હીલર્સમાં ૨૪% વૃદ્ધિ જોવા મળી છે.
કુલ વાહન વેચાણમાં પણ ૨%નો વધારો થઈને તે ૩૩ લાખ યુનિટ્સને પાર કરી ચૂક્યું છે. સામાન્ય રીતે તહેવારો બાદ નવેમ્બરમાં મંદી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સંપૂર્ણ અલગ રહ્યું. ઓક્ટોબરમાં દિવાળીના અંતે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થવાને કારણે પણ નવેમ્બરનું વેચાણ મજબૂત રહ્યું છે.
ગ્રામ્ય બજારમાં મજબૂત આવક, જીએસટી રેટ કટ અને ધિરાણ દરમાં ઘટાડો—આ બધા પરિબળોને કારણે આવતા ૩–૪ મહિના ઓટો ઉદ્યોગ માટે વધુ પ્રોત્સાહક રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



