સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ૩૩૦%થી વધુનું બમ્પર રીટર્ન…!!

સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી વચ્ચે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કરનારાઓ માટે અણધાર્યો જેકપોટ સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૯માં જારી થયેલા સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનાર રોકાણકારોને છ વર્ષના ગાળામાં ૩૩૦% કરતાં વધુનું બમ્પર વળતર મળ્યું છે, જે પરંપરાગત સુરક્ષિત રોકાણોની ધારણાને સંપૂર્ણપણે બદલી નાખે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આ સોવરિન ગોલ્ડ બોન્ડની રીડમ્પશન કિંમત રૂ.૧૨,૮૦૧ પ્રતિ યુનિટ નક્કી કરી છે.
વર્ષ ૨૦૧૯માં ઓફલાઇન માધ્યમથી પ્રતિ ગ્રામ રૂ.૨,૯૫૨ અને ઓનલાઈન માધ્યમથી રૂ.૨,૯૦૨ના ભાવે ખરીદેલા આ બોન્ડ સામે આજની રીડમ્પશન કિંમત રોકાણકારોને ૩૩૩% જેટલું વળતર આપે છે. આ વળતર ફક્ત સોનાના ભાવ વધારાના આધારે છે, જેમાં વાર્ષિક વ્યાજનો સમાવેશ કરેલો નથી. આ સોવરિન ગોલ્ડ બોન્ડ ૧૧ જૂન, ૨૦૧૯ના રોજ જારી કરવામાં આવ્યો હતો. ૮, ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના સોનાના સરેરાશ ભાવને આધારે આરબીઆઈએ રીડમ્પશન દર નક્કી કર્યો છે.
જે રોકાણકારોએ રીડમ્પશન માટે અરજી કરી છે તેમને આ દરે ચૂકવણી મળશે, જ્યારે અન્ય રોકાણકારો આગામી રીડમ્પશન વિન્ડો સુધી રાહ જોઈ શકે છે અથવા સ્ટોક એક્સચેન્જ પર બોન્ડ વેચી શકે છે. નિયમ મુજબ, સોવરિન ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ તારીખથી પાંચ વર્ષ બાદ નિર્ધારિત વ્યાજ તારીખો પર જ રીડિમ કરી શકાય છે. સોનાના વૈશ્વિક ભાવમાં તેજી, કેન્દ્રીય બેંકોની ખરીદી અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોવરિન ગોલ્ડ બોન્ડ રોકાણકારો માટે અત્યંત લાભદાયક સાબિત થયા હોવાનું બજાર નિષ્ણાતો માને છે.


