BUSINESS

AI બૂમનો સાઈડ-ઈફેક્ટ : સ્માર્ટફોન અને લેપટોપ મોંઘા થવાના સંકેત…!!

સમગ્ર વિશ્વ ઝડપથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ તેજ ગતિ સાથે એક મોટો પડકાર પણ ઉદ્ભવી રહ્યો છે. અંદાજો સૂચવે છે કે એઆઈ બૂમના કારણે સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે. નિષ્ણાતોના મતે એનવિડીયાના તાજેતરના વ્યૂહાત્મક ફેરફારો તથા એઆઈ ડેટા સેન્ટર્સની જોરદાર માંગે પૂરી સપ્લાય ચેઇનને ઘોર દબાણમાં મૂકી દીધી છે. દુનિયાભરના ટેક જાયન્ટ્સ અબજો ડોલર એઆઈ ડેટા સેન્ટર બનાવવામાં ખર્ચી રહ્યા છે.

આ સેન્ટરોને એનવિડીયા જેવી કંપનીઓ પાસેથી અદ્યતન જીપીયુ ચિપ્સની જરૂર પડે છે, અને એ ચિપ્સ ઘણી બધી મેમરી અને સ્ટોરેજ કોમ્પોનેન્ટ્સ પર આધારિત હોય છે. એઆઈની તેજ ગતિએ ડીરેમથી લઈને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ સુધી અનેક મટિરિયલ્સની અછત ઊભી કરી છે. અલીબાબાની ચેતવણી મુજબ, મેમરી ચિપ્સ અને સ્ટોરેજ ડિવાઇસની ઉપલબ્ધતા હાલની ક્ષમતાને જોતા આગામી ૨-૩ વર્ષમાં ગંભીર તંગી તરફ જઈ શકે છે. તે ઉપરાંત, એનવિડીયા તેના એઆઈ ચિપ્સમાં હવે વધુ લો-પાવર ડબલ ડેટા રેટ (LPDDR) મેમરીનો ઉપયોગ કરી રહી છે, જેનો ઉપયોગ અત્યાર સુધી મુખ્યત્વે સ્માર્ટફોન નિર્માતાઓ જેમ કે સેમસંગ અને એપલ કરતી હતી.

નવા ખેલાડી તરીકે એનવિડીયા આ સેગમેન્ટમાં પ્રવેશતા, માંગમાં જોરદાર વધારો થયો છે. ડીરેમ અને હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM)ના ભાવ ૨૦૨૫ના અંતિમ ક્વાર્ટરમાં ૩૦% અને ૨૦૨૬ની શરૂઆતમાં ૨૦% સુધી ઉછળી શકે છે. સ્માર્ટફોન અને લેપટોપના ઉત્પાદન ખર્ચમાં મેમરીનો હિસ્સો ૧૦ થી ૨૫ ટકા સુધી હોય છે. મેમરીના ભાવ ૩૦% વધે તો કુલ ડિવાઇસ કિંમત ૫ થી ૧૦% સુધી વધી શકે છે.

સાથે જ, ડેટા સેન્ટર્સમાં HDDની અછતને કારણે કંપનીઓ ઝડપથી SSD તરફ વળી રહી છે જે સ્માર્ટફોન અને લેપટોપ માટે એક મુખ્ય કોમ્પોનેન્ટ છે. પરિણામે કન્ઝ્યુમર માર્કેટમાં પણ અછત અને ભાવવધારો અનિવાર્ય બની શકે છે. આ સપ્લાય ક્રાઇસિસનો પ્રભાવ માત્ર ટેક સેક્ટરમાં જ નહીં પરંતુ ઓટોમોબાઇલ અને ડિફેન્સ ક્ષેત્રોમાં પણ દેખાવાની શક્યતા છે. એઆઈ ચિપ્સ બનાવતી ઘણી ફેક્ટરીઓ એ જ લાઇન્સ પર ઓટો, ઈન્ડસ્ટ્રીયલ અને ડિફેન્સ માટેની ચિપ્સ પણ બનાવે છે. જ્યારે ઉત્પાદનનું કેન્દ્ર એઆઈ તરફ જતાં રહે છે, ત્યારે આ સેક્ટરો માટેના કોમ્પોનેન્ટ્સમાં પણ તંગી ઊભી થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!