ફોરેક્સ રિઝર્વમાં મજબૂત વધારો : ૪ અબજ ડોલરના ઉછાળા સાથે ૬૯૮ અબજ ડોલર પાર…!!

દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં વધારો નોંધાયો છે. ૫ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ ૪.૦૩૮ અબજ ડોલર વધી ૬૯૮.૨૬૮ અબજ ડોલર સુધી પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કરેલા આંકડામાં જાણવા મળ્યું. આ પહેલાંના સપ્તાહે પણ રિઝર્વમાં ૩.૫૧ અબજ ડોલરનો વધારો થઈ ૬૯૪.૨૩ અબજ ડોલર નોંધાયો હતો. તાજા આંકડા મુજબ ૫ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) ૫૪ કરોડ ડોલર વધી ૫૮૪.૪૭૭ અબજ ડોલર સુધી પહોંચ્યા હતા.
સોનાના ભંડારમાં પણ વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ રિઝર્વ ૩.૫૩ અબજ ડોલર વધી ૯૦.૨૯૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રિઝર્વ ૨૦ લાખ ડોલર વધી ૪.૭૫૧ અબજ ડોલર થયું હતું. જો કે, સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR)માં ઘટાડો નોંધાયો હતો. તે ૩.૪ કરોડ ડોલર ઘટીને ૧૮.૭૮૨ અબજ ડોલર રહ્યો હતો.



