AI દેશને આપશે ૨ ટ્રિલિયન ડોલરનો આર્થિક ફાળો : નીતિ આયોગનો રિપોર્ટ

નીતિ આયોગના તાજેતરના રિપોર્ટ અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વર્ષ ૨૦૩૫ સુધીમાં ભારતની જીડીપીમાં આશરે ૫૦૦થી ૬૦૦ અબજ ડોલરનો વધારો કરી શકે છે. સાથે જ એઆઇના કારણે અનેક નવી નોકરીઓનું સર્જન થવાની પણ સંભાવના છે. જો કે, આ બધું દેશના વિવિધ ઉદ્યોગો એઆઇને કેટલી ઝડપથી અને અસરકારક રીતે અપનાવે છે તેના પર નિર્ભર રહેશે.
રિપોર્ટમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે એઆઇનો વ્યાપક ઉપયોગ આવતા દાયકામાં ૧૭ લાખ કરોડથી ૨૬ લાખ કરોડ ડોલર સુધીનો ફાળો આપી શકે છે. ભારત પાસે મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધનમાં ઝડપ અને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં પ્રતિભા છે, જેના આધારે તે વૈશ્વિક એઆઇ મૂલ્યમાં ૧૦થી ૧૫ ટકા હિસ્સો મેળવી શકે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ ભાર મૂક્યો કે ટેકનોલોજીકલ ઇનોવેશન સાથે તેના નિયંત્રણ મિકેનિઝમનો વિકાસ પણ તેટલો જ ઝડપથી થવો જરૂરી છે. તેમણે કહ્યું કે એઆઇ ટેકનોલોજી પર નિયંત્રણ લોકોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે, પરંતુ તે સંશોધન અને નવી ટેકનોલોજીની પ્રગતિમાં અડચણ ન બને તેવું પણ મહત્વપૂર્ણ છે.
રિપોર્ટમાં માન્યતા આપવામાં આવી છે કે એઆઇના કારણે કેટલાક રુટિન કામો — જેમ કે ક્લાર્ક, કેશિયર, કસ્ટમર કેર, ઓનલાઇન સર્વિસ — ઓટોમેશન તરફ જશે. પરંતુ તેની સામે, મોટી સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન પણ થશે. અંદાજ છે કે એઆઇથી આવતા વર્ષોમાં જીડીપીમાં ૨૦થી ૨૫ ટકા ફાળો આવી શકે છે, જ્યારે કેટલાક સેક્ટરમાં ઉત્પાદકતા ૮૫થી ૧૦૦ ટકા સુધી વધવાની શક્યતા છે.
નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે રિપોર્ટ લોન્ચ કરતાં જણાવ્યું કે એઆઇ ભારત માટે રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિમાં ગેમચેન્જર સાબિત થશે. તેમણે ઉમેર્યું કે ૨૦૩૫ સુધીમાં એઆઇનો સીધો અને આકસ્મિક ફાળો મળી કુલ ૨ ટ્રિલિયન ડોલર જેટલો લાભ ભારતને મળી શકે છે.



