અમેરિકાએ વર્ષ ૨૦૨૫માં પહેલીવાર વ્યાજ દર ઘટાડ્યા…!!

યુએસ ફેડરલ રિઝર્વે લાંબા સમયથી અપેક્ષિત નિર્ણય લેતાં વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે અમેરિકાનો પોલિસી રેટ ૪ થી ૪.૨૫% ની રેન્જમાં આવી ગયો છે. અગાઉ તે ૪.૨૫ થી ૪.૫૦% વચ્ચે હતો. આ સાથે જ વર્ષ ૨૦૨૫માં પહેલીવાર ફેડે વ્યાજ દર ઘટાડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ ફેડ સામે વ્યાજ દર ઘટાડવા માટે તેમની વારંવારની ટીકા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.
નિષ્ણાતોના મતે, ફેડના આ નિર્ણયથી એશિયન બજારો તેમજ ભારતીય શેરબજારમાં અસર દેખાઈ શકે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય બેઠક બાદ ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું કે અમેરિકાની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી રહી છે, રોજગાર વૃદ્ધિ પર દબાણ છે અને મોંઘવારીનો દર ઊંચો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ફેડે સંકેત આપ્યો છે કે વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ પગલાથી ટ્રમ્પ સરકારના ટેરિફના કારણે ઊભેલા મોંઘવારીના દબાણને કાબૂમાં રાખવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.


