ભારતના એક્સપોર્ટને અમેરિકી ઝટકો, સતત ત્રીજા મહિને ઘટાડો…!!

અમેરિકા ખાતે ભારતની નિકાસ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વર્તમાન વર્ષના ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે. આ વખતે નિકાસ ૧૬.૩૦ ટકા ઘટીને ૬.૭૦ અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જ્યારે જુલાઈમાં ૩.૬૦ ટકા અને જૂનમાં ૫.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઈનિશિએટિવના જણાવ્યા મુજબ, અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો એપરલ (કાપડ-વસ્ત્ર) અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને પડ્યો છે. જો કે, ફાર્મા અને સ્માર્ટફોન સહિતની આશરે ૩૫ ટકા નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગયા નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતની કુલ નિકાસ ૮૬ અબજ ડોલર હતી.
અમેરિકાએ પ્રથમ ૭મી ઓગસ્ટે ટેરિફ ૧૦ ટકા પરથી વધારી ૨૫ ટકા કર્યા અને ત્યારબાદ ૨૭ ઓગસ્ટે વધુ વધારો કરીને કુલ ૫૦ ટકા કરી દીધા. આ ઊંચા ટેરિફને કારણે નિકાસકારોને અમેરિકી બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર મહિનો સૌથી કઠિન સાબિત થશે કારણ કે આ મહિને ૫૦ ટકા ટેરિફની પૂર્ણ અસર જોવા મળશે. અંદાજ છે કે નાણાં વર્ષ ૨૦૨૬ સુધીમાં અમેરિકા ખાતે ભારતની ૩૦-૩૫ અબજ ડોલરની નિકાસને ફટકો પડી શકે છે. હાલ ભારતની કુલ નિકાસમાંથી લગભગ ૨૦ ટકા નિકાસ અમેરિકામાં થાય છે.



