BUSINESS

ધિરાણ માંગ અને એસેટ ક્વોલિટીમાં સુધારા વચ્ચે બેન્કિંગ સેક્ટર મજબૂત રહેવાની ધારણા…!!

ધિરાણ માગમાં સુધારા અને એસેટ ક્વોલિટીમાં સતત મજબૂતીને કારણે વર્તમાન નાણાં વર્ષે બેન્કોની કામગીરી સકારાત્મક રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સીના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બેન્કિંગ ક્ષેત્રની ધિરાણ વૃદ્ધિ ૧૧.૫૦-૧૨.૫૦% સુધી રહેવાની શક્યતા છે. ગત નાણાં વર્ષના ૧૧%ના વૃદ્ધિ દરની તુલનામાં આ વધુ તેજી દર્શાવે છે. પાછલા છ મહિનામાં કોર્પોરેટ લોનની માંગ વધતી જોવા મળી છે અને જીએસટીમાં તાજેતરમાં કરાયેલા ઘટાડા બાદ ઉપભોગમાં વધારો થતા રિટેલ સેગમેન્ટમાં પણ લોન માગ મજબૂત બની છે.

બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં એનપીએનું સ્તર ઐતિહાસિક રીતે નીચું રહેતા બેન્કોની બેલેન્સ શીટ વધુ મજબૂત છે. રિઝર્વ બેન્ક તરફથી ફેબ્રુઆરીથી અત્યાર સુધી વ્યાજ દરમાં કુલ ૧%નો ઘટાડો કરવામાં આવ્યો છે, અને ડિસેમ્બરની આગામી એમપીસી બેઠકમાં વધુ ૦.૨૫% ઘટાડાની સંભાવનાએ લોન ઉપાડ થવાની પ્રક્રિયાને વધુ ગતિ મળવાની અપેક્ષા છે.

જો કે, વધતી લોન માગને અનુરૂપ થાપણ વૃદ્ધિ હાલમાં ધીમી જોવા મળી રહી છે, જેના કારણે બેન્કોના થાપણ – ધિરાણ રેશિયો ૮૦%ની આસપાસ પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં બેન્કો કમર્શિયલ પેપર સહિતના વિકલ્પો દ્વારા ભંડોળ એકત્ર કરવાની કોશિશ કરી રહી છે. ઉંચા સોના ભાવને કારણે ગોલ્ડ લોનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે જીએસટીમાં ઘટાડા બાદ ઓટો લોનની માંગ પણ મજબૂત છે. બીજી તરફ, વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે વિદેશી શિક્ષણ લોનની માંગમાં ઘટાડો નોંધાયો છે.

Back to top button
error: Content is protected !!