
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા તાલુકાના ટુંડા-વાંઢ કુતડી બંદરના માછીમારોનો રસ્તો બંધ કરવાનો અદાણીનો ફરી પ્રયાસ – તંત્ર સામે આંખ આડા કાનનો આરોપ
મુંદરા તાલુકાના ટુંડા-વાંઢ કોસ્ટલ એરીયામાં કુતડી બંદર માછીમારોનો માર્ગ શનિવારે ખાડા ખોદીને ગેટ નાખી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક માછીમારોને આ જાણ થતાં જ સ્થળ પર પહોંચતા આવા લેભાગુ તત્વો ભાગી ગયા હતા.
વારંવાર માછીમારો દ્વારા જિલ્લા કલેક્ટરથી લઈ તાલુકા મામલતદાર, પ્રાંત કચેરી, મરીન પોલીસ સ્ટેશન સહિતના સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ અદાણી કંપનીના લોકો દ્વારા માછીમારોનો માર્ગ બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જણાવવું રહ્યું કે વર્ષ ૨૦૧૭માં આ માર્ગ અદાણી કંપની દ્વારા જ બનાવવામાં આવ્યો હતો, જે કોસ્ટલ એરીયામાં આવેલો છે, ગામની સીમમાં નહીં. તેમ છતાં વારંવાર આ માર્ગ ઉપર ખાડા ખોદી ગેટ નાખીને માછીમારોના રોજગારને ખોરવીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે.
તાજેતરમાં ૨૭/૦૩/૨૦૨૫ના રોજ યોજાયેલી લોક સુનાવણીમાં અદાણી કંપનીના પ્રતિનિધિ દ્વારા માછીમારોને તમામ બાંયધરી સુવિધાઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ઉલટું માછીમારોને જીવનજરૂરી માર્ગ બંધ કરીને પરેશાન કરવામાં આવે છે.
માછીમારો વર્ષોથી સાગરખેડૂત તરીકે કામગીરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. કંપનીના પ્રદૂષણ, ટ્રાફિક અને પર્યાવરણને નુકસાન સહન કર્યા પછી હવે રોજીરોટી માટેનો રસ્તો બંધ કરવાનો પ્રયાસ અત્યંત નિંદનીય છે.
જો તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન લાવવામાં આવે તો માછીમારોને કાયદેસરની કાર્યવાહી તથા ફરીયાદ કરવાની ફરજ પડશે, જેના માટેની તમામ જવાબદારી તંત્ર અને કંપની પર રહેશે, તેમ માછીમારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
આ પ્રસંગે અખિલ કચ્છ વાઘેર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ હાજી હુસેન, હુસેન જુસબ ચબા, મુસ્તાકભાઈ ચબા, ઉમરભાઈ સુલેમાન વાઘેર, સામાજિક કાર્યકર અબ્દુલ મજીદ તેમજ મોટી સંખ્યામાં માછીમારો હાજર રહ્યા હતા અને તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.






(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




