ટેરિફના દબાણ વચ્ચે નિકાસકારોની રાહત માંગ : લોન મોરેટોરિયમ અને સાનુકૂળ વિનિમય દરની રજૂઆત…!!
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વેપાર પર પડેલા દબાણમાંથી રાહત મેળવવા માટે દેશના નિકાસકારોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ લોન રિપેમેન્ટમાં મોરેટોરિયમ અને ડોલર-રૂપિયાનો સાનુકૂળ વિનિમય દર પૂરો પાડવા વિનંતી કરી છે.
અમેરિકાએ હાલમાં ભારતની નિકાસ પર કુલ ૫૦ ટકા જેટલો ટેરિફ લગાવ્યો છે, જેના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ, ફિશરીઝ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોને મોટો ફટકો પડી શકે છે. નિકાસકારોની ચિંતા દૂર કરવા સરકાર કેટલાક ઉપાયો પર વિચાર કરી રહી છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના હોદ્દેદારોની આરબીઆઈ અધિકારીઓ સાથેની બેઠકમાં લોનની ચૂકવણી માટે એક વર્ષનું મોરેટોરિયમ આપવાની સાથે સાથે કોલેટરલ વિના ક્રેડિટ ગેરન્ટી સ્કીમ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી. ફીઓના સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન નાના ઉદ્યોગોને મળેલી ગેરન્ટી સ્કીમની જેમ નિકાસકારોને પણ સહાયતા આપવામાં આવે તો તેઓને વ્યાપાર ફરી ઊભો કરવામાં મદદ મળશે અને લોનમાં ડિફોલ્ટ થવાની શક્યતાઓ ઘટશે.
નિકાસકારોએ વધુમાં રજૂઆત કરી છે કે ડોલર વેચાણ માટે તેમને સ્પોટ ભાવની બદલે રિઅલ ઈફેક્ટિવ એક્સચેન્જ રેટ (REER) પર વેચવાની મંજૂરી આપવી જોઈએ. આ રેટ માત્ર ડોલર સામે નહીં પરંતુ વેપાર કરતા દેશોની કરન્સીની બાસ્કેટ સામેના મૂલ્ય અને ફુગાવાને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. હાલ REER ડોલરના વર્તમાન ભાવ કરતાં આશરે ૧૫ ટકા ઊંચો છે, જેનાથી નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા મળી શકે.
બેન્કો નિકાસકારોને નાણાંકીય સહાય આપવા તૈયાર છે, જોકે લોનની ચૂકવણીમાં સીધી ઢીલ આપવા બેન્કો સંકોચ દર્શાવે એવી શક્યતા છે. બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ટૂંક સમયમાં વાટાઘાટો ફરી શરૂ થવાની અપેક્ષા છે.



