નવેમ્બર માસમાં નિકાસ ૩૮.૧૩ અબજ ડોલર સાથે ૬ મહિનાની ટોચે…!!
નવેમ્બર મહિનામાં દેશની નિકાસમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, નવેમ્બર ૨૦૨૫માં નિકાસ વાર્ષિક ધોરણે ૧૯.૩૭% વધીને ૩૮.૧૩ અબજ ડોલર પર પહોંચી હતી, જે છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટી છે. આ દરમિયાન આયાત ૧.૮૮% ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર રહી હતી, જેના પરિણામે ટ્રેડ ડેફિસિટ નોંધપાત્ર રીતે ઘટીને ૨૪.૫૩ અબજ ડોલર થયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે. અમેરિકા ખાતે ભારતની નિકાસ નવેમ્બરમાં ૨૨% વધીને ૬.૯૭ અબજ ડોલર થઈ હતી. ઓક્ટોબરમાં નિકાસ ઘટીને ૬.૩ અબજ ડોલર રહી હતી, પરંતુ નવેમ્બરમાં થયેલા સુધારાએ ટેરિફની અસર સીમિત હોવાનું દર્શાવ્યું છે.
નવેમ્બર દરમિયાન અમેરિકા ઉપરાંત ચીનમાં ૯૦.૧૨%, સ્પેનમાં ૧૮૧.૩૩%, યુએઈમાં ૧૩.૧૬ ટકા અને તાન્ઝાનિયામાં ૧૨૬.૩૬% નિકાસ વૃદ્ધિ નોંધાઈ હતી. આ સમયગાળામાં સોનાની આયાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં સોનાની આયાત ૫૯.૧૫% ઘટીને ૪ અબજ ડોલર રહી હતી, જ્યારે ક્રૂડ ઓઈલની આયાત પણ ૧૧.૨૭% ઘટીને ૧૪.૧૧ અબજ ડોલર રહી હતી. સોનાની આયાતમાં ઘટાડો થવાથી ટ્રેડ ડેફિસિટ ઘટાડવામાં મોટી મદદ મળી હોવાનું નિષ્ણાતો જણાવે છે. ક્ષેત્રવાર રીતે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, કેમિકલ્સ, જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ ૧૧.૬૫% વધીને ૩.૯૩ અબજ ડોલર થઈ હતી.
આ ઉપરાંત ચા, કોફી, આયર્ન ઓર, કાજુ, તેલિબિયા, ડેરી, હેન્ડિક્રાફ્ટ્સ, મરીન અને લેધર પ્રોડક્ટ્સની નિકાસમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ચોખા, કાર્પેટ અને પ્લાસ્ટિક્સની નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. સર્વિસીસ ક્ષેત્રે પણ સારો દેખાવ રહ્યો હતો. નવેમ્બર મહિનામાં સર્વિસીઝની નિકાસ ૩૫.૮૬ અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષે આ જ ગાળામાં ૩૨.૧૧ અબજ ડોલર હતી. એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫ના ગાળામાં કુલ નિકાસ ૨.૬૨% વધીને ૨૯૨.૦૭ અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત ૫.૫૯% વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર પહોંચી હતી. આ ગાળામાં કુલ ટ્રેડ ડેફિસિટ ૨૨૩.૧૪ અબજ ડોલર રહ્યો હતો.



