
ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં નાવડીના ઉપયોગથી રેત ખનન કરાતા ચકચાર
લીઝ હોલ્ડરને આ બાબતે પુછતા તમે ખાણ ખનિજ વિભાગને કહેજો એમ જવાબ મળ્યો !
નિયમોને ધોળીને પી જતા રેત માફિયાઓ પર તાલુકા જિલ્લાના અધિકારીઓ તાકીદે પગલા ભરે તે જરૂરી
નાની ખાડીમાં મોટાપાયે રેતી ઉલેચાશે તો ઉંડા ખાડા પડતા હોનારત ની સંભાવના
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતિ ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે,ઉપરાંત તાલુકામાં માધુમતિ જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઇને ખાડીમાં ઉંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાની થવાની સંભાવના રહેલી છે. રાજપારડી નજીકના સારસા ગામે માધુમતિ ખાડીમાં થતાં રેત ખનનના મુદ્દે ભુતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો. ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે,જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે. આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બેજવાબદાર જવાબ આપતા કહ્યું કે આતો હંમેશ થી ચાલતું આવ્યું છે,તમે ખાણ ખનિજ વિભાગને કહેજો ! લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનિજ વિભાગનો કોઇ ડર હોય એમ લાગતું નથી ! ત્યારે આ બાબતે ખાણ ખનિજ વિભાગ અને ઝઘડિયા પ્રાન્ત અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવનાર છે. નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે,અને જાગૃત નાગરીક આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બેજવાબદારી ભર્યો જવાબ અપાય તે કેટલે અંશે યોગ્ય લેખાશે? ઝઘડિયા મામલતદાર અને પ્રાન્ત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનિય છે.
ઈરફાનખત્રી
રાજપારડી




