કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષ બાદ ૧૦૦ને પાર…!!

ભારતીય પ્રાથમિક બજારે ૨૦૨૫માં ઐતિહાસિક સિદ્ધિ તરફ આગળ વધ્યું છે. ૧૮ વર્ષ પછી પહેલી જ વાર મેઇનબોર્ડ આઈપીઓની સંખ્યા ૧૦૦ને પાર જવાની છે. હાલમાં સુધી ૯૬ કંપનીઓ બજારમાં આવી ચૂકી છે અને આગામી દિવસોમાં આઈપ્રુ એસેટ, પાર્ક મેડી વર્લ્ડ, કોરોના રેમેડીઝ, નેફ્રોકેર હેલ્થ અને વેકફિટ ઇનોવેશન સહિતના નવા પાંચ ઈશ્યૂ લોન્ચ થવાના હોવાથી સંખ્યા ૧૦૦ને વટાવી જશે.
આ વર્ષે કંપનીઓએ આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧.૭૦ લાખ કરોડથી વધુ મૂડી એકત્ર કરી છે, જે ગયા વર્ષના ૯૧ આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા રૂ. ૧.૫૯ લાખ કરોડના રેકોર્ડને પણ પાર કરી ગઈ છે. સતત બીજા વર્ષે પ્રાથમિક બજારમાં મૂડી સંગ્રહનો નવો રેકોર્ડ સર્જાવાનું આ પ્રથમ જ પ્રસંગ છે.
સેકન્ડરી બજારમાં અસ્થિરતા, નબળા કોર્પોરેટ નફા અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ આઈપીઓ માર્કેટે અદ્દભુત સ્થિરતા દર્શાવી છે. જૂનથી દર મહિને ઓછામાં ઓછા આઠ નવા ઇશ્યૂ આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટમાં નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપમાં ઘટાડા છતાં ૨૫ કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. ૨૬,૫૭૯ કરોડ એકત્ર કર્યા હતા. સપ્ટેમ્બર તો ૨૫ આઈપીઓ સાથે જાન્યુઆરી ૧૯૯૭ પછીનો સૌથી વ્યસ્ત મહિનો બની ગયો હતો.
આ વર્ષે અનેક મોટા આઈપીઓ બજારમાં આવ્યા છે, જેમ કે ટાટા કેપિટલ રૂ.૧૫૫૧૨ કરોડ, LG ઇલેક્ટ્રોનિક્સ રૂ.૧૧,૬૦૪ કરોડ, લેન્સકાર્ટ સોલ્યુશન્સ રૂ. ૭,૨૭૮ કરોડ, ગ્રોવ પેરેન્ટ બિલિયન બ્રેન ગેરેજ વેન્ચર્સ રૂ.૬,૬૩૨ કરોડ એકત્ર કર્યા. બ્રોકરોના મતે, રિટેલ રોકાણકારો આ તેજીમાં મોટા હિસ્સેદાર બન્યા છે. નવા લિસ્ટ થયેલા ૯૩ આઈપીઓમાંથી ૬૩ ઇશ્યૂએ લિસ્ટિંગ પર ફાયદો આપ્યો છે. કેટલીક કંપનીઓએ તો ૭૬% સુધીનો નફો આપ્યો છે, જેના કારણે ઘણાં રિટેલ રોકાણકારો ઝડપી ગેઇન માટે આકર્ષાયા છે. જોકે લિસ્ટિંગ બાદના પ્રદર્શનને જોતા ઇશ્યૂ કિંમતથી વર્તમાન કિંમતો પર સરેરાશ વળતર ફક્ત ૮% રહ્યું છે.
સેબીના આંકડાઓ મુજબ દેશમાં રોકાણકારોની સંખ્યા હવે ૧૩.૬૦ કરોડ, જ્યારે ડીમેટ ખાતાઓ ૨૧ કરોડથી વધુ પહોંચી ગયા છે. પ્રાથમિક બજારમાં વધતી ચર્ચા અને આઈપીઓની ગરમાહટને કારણે રોકાણકારો મોટી સંખ્યામાં ડીમેટ ખાતા ખોલી રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૫માં જ ૩૦ લાખથી વધુ નવા ડીમેટ ખાતાઓ ખુલ્યાં હતા. છેલ્લા ત્રણ મહિનામાં જોરદાર આઈપીઓ ધસારાને ધ્યાનમાં લેતા ડિસેમ્બર ત્રિમાસિકમાં ડીમેટ ખાતાઓમાં વધારો વધુ જોવા મળશે એવી અપેક્ષા છે.


