નવેમ્બર માસમાં આઠ કોર સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧.૮% રહ્યો…!!

દેશના આઠ મુખ્ય (કોર) સેક્ટરનો ગ્રોથ નવેમ્બર ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ઘટીને ૧.૮% રહ્યો હતો, જ્યારે ગત વર્ષના નવેમ્બર મહિનામાં આ ગ્રોથ ૫.૮% રહ્યો હતો. ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, પેટ્રોલિયમ રિફાઈનરી પ્રોડક્ટ્સ તથા વીજ ઉત્પાદન જેવા મહત્વના સેક્ટરમાં ઉત્પાદન ઘટતા કુલ કોર સેક્ટર ગ્રોથ પર નકારાત્મક અસર જોવા મળી હતી. જો કે મહત્વનું એ છે કે માસિક ધોરણે એટલે કે ઓક્ટોબર ૨૦૨૫ની સરખામણીએ નવેમ્બરમાં સ્થિતિમાં સુધારો નોંધાયો છે. સરકારે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. નવેમ્બર મહિનામાં કોલસાના ઉત્પાદનનો ગ્રોથ ૨.૧% રહ્યો હતો, પરંતુ એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫-૨૬ના ગાળામાં કોલસાના ઉત્પાદનમાં કુલ ૧.૪%નો ઘટાડો નોંધાયો છે.
આ સમયગાળામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ૩.૨% અને નેચરલ ગેસના ઉત્પાદનમાં ૨.૫%નો ઘટાડો થયો હતો, જ્યારે એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ક્રૂડ ઓઈલમાં ૧.૩% અને નેચરલ ગેસમાં ૩% ઘટાડો નોંધાયો છે. પેટ્રોલિયમ રિફાઈનરી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં નવેમ્બરમાં ૦.૯%નો ઘટાડો થયો હતો, જો કે એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન તેમાં ૦.૨%નો નાનો વધારો નોંધાયો છે. ફર્ટિલાઈઝર સેક્ટરે નવેમ્બરમાં ૫.૬%નો ગ્રોથ દર્શાવ્યો હતો, જ્યારે એપ્રિલથી નવેમ્બરના ગાળામાં તેનો કુલ ગ્રોથ ૧.૩% રહ્યો છે.
સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરે મજબૂત પ્રદર્શન કર્યું હતું. નવેમ્બરમાં સ્ટીલનું ઉત્પાદન ૬.૧% વધ્યું હતું અને એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન તેમાં ૯.૭%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. સિમેન્ટનું ઉત્પાદન નવેમ્બરમાં ૧૪.૫% વધ્યું હતું, જ્યારે આ સમયગાળામાં તેનો કુલ ગ્રોથ ૮.૨% રહ્યો છે. વીજ ઉત્પાદન નવેમ્બરમાં ૨.૨% ઘટ્યું હતું અને એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન તેમાં કુલ ૦.૩%નો ઘટાડો નોંધાયો છે. એકંદરે, એપ્રિલથી નવેમ્બરના ગાળામાં આઠ કોર સેક્ટરનો ગ્રોથ ૨.૪% રહ્યો હતો, જે ગત વર્ષના સમાન ગાળામાં નોંધાયેલા ૪.૪%ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે.



