BUSINESS

રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો, ચાર મહિનાની ટોચે…!!

ખાદ્ય પદાર્થો, મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ અને ટ્રાન્સપોર્ટ ઉપકરણોના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટ-૨૦૨૫માં વધીને ૦.૫૨ ટકા થયો છે, જે છેલ્લા ચાર મહિનાની ટોચ ગણાય છે.

જુલાઈ-૨૦૨૫માં જથ્થાબંધ ફુગાવો માઈનસ ૦.૫૮ ટકા હતો, જ્યારે જૂનમાં તે માઈનસ ૦.૧૯ ટકા રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ-૨૦૨૪માં આ દર ૧.૨૫ ટકા નોંધાયો હતો. ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, બિન-ખાદ્ય પદાર્થો, નોન-મેટાલિક મિનરલ પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ભાવ વધવાથી આ વધારો નોંધાયો છે.

ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી ઘટાડાનો દર ઓગસ્ટમાં ઘટીને ૩.૦૬ ટકા રહ્યો, જે જુલાઈમાં ૬.૨૯ ટકા હતો. શાકભાજીમાં ઘટાડાનો દર ૧૪.૧૮ ટકા નોંધાયો, જે જુલાઈમાં ૨૮.૯૬ ટકા હતો. કઠોળમાં ઘટાડાનો દર ૧૪.૮૫ ટકા રહ્યો, જ્યારે જુલાઈમાં તે ૧૫.૧૨ ટકા હતો. બટાકામાં ઘટાડાનો દર ૪૪.૧૧ ટકા રહ્યો, જે જુલાઈમાં ૪૧.૨૬ ટકા હતો. ડુંગળીમાં ઘટાડાનો દર વધીને ૫૦.૪૬ ટકા થયો, જે જુલાઈમાં ૪૪.૩૮ ટકા હતો.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઓગસ્ટ-૨૦૨૫માં ફુગાવો ૨.૫૫ ટકા રહ્યો, જ્યારે જુલાઈમાં તે ૨.૦૫ ટકા હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જાહેર કરાયેલા આંકડા મુજબ રિટેલ ફુગાવો પણ ઓગસ્ટમાં વધીને ૨.૦૭ ટકા નોંધાયો હતો, જે નવ મહિના પછીની વૃદ્ધિ દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!