ઈન્ડિયા આઈએનએક્સે અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન્સના લોન્ચ સાથે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું ઉદ્ઘાટન કર્યું

ઈન્ડિયા આઈએનએક્સે અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન્સના લોન્ચ સાથે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગર, ઓક્ટોબર 2025: ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને બીએસઈની પેટાકંપની ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જે (ઈન્ડિયા આઈએનએક્સ) ગિફ્ટ સિટીમાં દેવએક્સ કો સ્પેસ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજીને વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025નું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં આઈએફએસસીએના ચેરપર્સન શ્રી કે. રાજારમણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આઈએફએસસીએ, ઈન્ડિયા આઈએનએક્સ તથા ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓના વરિષ્ઠ મહાનુભવોએ પણ હાજરી આપી હતી.
વૈશ્વિક નાણાંકીય સમાવેશકતા તરફ ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરતા ઈન્ડિયા આઈએનએક્સે તેના નવા નેક્સ્ટ જનરેશન પ્લેટફોર્મ “Bolt Plus on Web (BOW)” મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.
આ એપ્લિકેશન રોકાણકારોને નીચે મુજબની વિશ્વકક્ષાની સરળ અને સુગમ એક્સેસ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છેઃ
તેમની મોબાઇલ એપ્લિકેશન્સથી સીધા જ યુએસ ડોલરમાં સેન્સેક્સ ફ્યુચર્સના સોદા કરવા
ઈન્ડિયા આઈએનએક્સ પર આગામી કંપનીઓના લિસ્ટિંગમાં તકો મેળવવા
વધુ ઝડપી, વધુ સાહજિક અને સરહદો વિનાના ટ્રેડિંગ અનુભવ પૂરા પાડવા
ઈન્ડિયા આઈએનએક્સે (ઈન્ડિયા આઈએનએક્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) તેની ડિજિટલ ઓફરિંગ્સને વધુ વિસ્તારતા તેના પ્રારંભિક સેશન દરમિયાન પોતાની મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. 
ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ શ્રી વિજય કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે “ઈન્ડિયા આઈએનએક્સ (BOW) અને ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ મોબાઇલ એપનું લોન્ચિંગ વિશ્વભરના રોકાણકારોને વિશ્વકક્ષાની ટેક્નોલોજી તથા સરહદો પારના બજારની એક્સેસ પૂરી પાડવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્લેટફોર્મ્સ ક્લાયન્ટ્સને યુએસ ડોલરમાં સેન્સેક્સ ફ્યુચર્સ જેવા ભારતીય બેન્ચમાર્ક્સ અને અન્ય એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સમાં ટ્રેડ કરવા માટે જ નહીં પરંતુ વિશ્વભરના ઇક્વિટી તથા ડેટ માર્કેટ્સમાં સરળતાથી ભાગ લેવા માટે પણ સક્ષમ બનાવશે.”
ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ ઇન્વેસ્ટર વીક 2025 વિશ્વભરના મૂડી બજારોમાં ભારતના વધતા પ્રભુત્વને તથા આંતરરાષ્ટ્રીય રોકાણોની એક્સેસ સુલભ બનાવવામાં ઈન્ડિયા આઈએનએક્સ દ્વારા લેવાયેલા નવીનતમ પ્રયાસોને દર્શાવે છે.


